November 25, 2024

UK Budget પર પીએમ સ્ટાર્મરના નિવેદનથી બ્રિટિશ નાગરિકોની ઊંઘ હરામ થશે!

British PM Keir Starmer: બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પોતાના પ્રથમ ભાષણમાં UKની જનતા માટેના કેટલાક કડક પગલાંના અમલીકરણનો સંકેત આપ્યા હતા. રોઝ ગાર્ડનમાં યોજાયેલ એક સભામાં બ્રિટિશ પીએમે કહ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીએ દેશની આર્થિક અને જાહેર નાણાકીય સ્થિતિ ખૂબ જ ખરાબ કરીને મને સોંપી છે. હવે દેશનો પાયો મજબૂત કરવાની જવાબદારી આપણી છે. આથી સરકારે ઓક્ટોબરમાં આવનારા બજેટમાં ખૂબ જ આકરા નિર્ણયો લેવા પડશે. જેના કારણે આગામી બજેટ ખૂબ જ કષ્ટદાયક બની શકે છે.

તેમણે કહ્યું કે બજેટમાં લાંબાગાળાની ભલાઈ માટે નાના કષ્ટ પડી શકે છે. શક્ય છે કે કેટલાક એવા નિર્ણયો પણ લેવામાં આવી શકે જેનાથી જનતા નારાજ થાય, પરંતુ દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ મુશ્કેલ આર્થિક નિર્ણયોનું કારણ ટોરીઝની સત્તાના 14 વર્ષના અંત મૂકવામાં આવેલ 22 બિલિયન પાઉન્ડનો બ્લેક હોલ છે.

તેમણે કહ્યું કે મેં વચન આપ્યું હતું કે સરકાર દેશની રોજેરોજ સેવા કરનારા લોકો- એપ્રેન્ટિસ, શિક્ષકો, નર્સો, નાના વેપારી માલિકો, અગ્નિશામકો અને આપણા સમુદાયોની સેવા કરશે, તો એમ જ કરવામાં આવશે. બસ આપણે બધી વસ્તુઓ જુદી રીતે કરવાની છે. આપણે 14 વર્ષનો સડો ખતમ કરવા, એક દાયકાના ઘટાડાને ઓછો કરવા અને પાયાને મજબૂત કરવા માટે સખત મહેનત કરીશું.

આ પણ વાંચો: શું કમલા હેરિસથી ડરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ? પ્રેસિડેન્શિયલ ડિબેટથી કેમ ભાગી રહ્યા છે?

બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલથી ક્રિસમસ સુધી આપણે એજ રીતે આગળ વધીશું જે રીતે આપણે શરૂઆત કરી હતી. આપણે ખાલી વાતો નહીં કરીએ, પરંતુ કામ પણ કરીશું. કરદાતાઓના નાણાંની સુરક્ષા માટે કાયદો લાવીશું અને કડક નિર્ણયો લઈશું. વધુમાં, તેમણે કન્ઝર્વેટિવ્સ દ્વારા ટેક્સ વધારવાની ટીકાનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અમે ચૂંટણી પહેલાની સ્થિતિને લઈને ઈમાનદાર છીએ. અમે કોઈપણ પ્રકારનો ટેક્સ વધારવાના નથી.

બ્રિટનમાં તાજેતરમાં થયેલ તોફાનોને લઈને તેમણે કહ્યું હતું કે આ હિંસક સંઘર્ષ અગાઉની સરકારની લોભામણા વચનોને કારણે થયા હતા. અગાઉની સરકારે જનતા સાથે દગો કર્યો. તેનો ઉપાય એક સાથે આવી ને જ કરી શકાય છે. પીએમ સ્ટાર્મરે કહ્યું કે આપણી પાસે એક એવો દેશ છે જે આપણે સાથે મળીને મહેનત કરીને બનાવ્યો છે. આ દેશ આપણા દરેકનો દેશ છે. ચાલો સાથે મળીને આને ઠીક કરીએ અને ગંદકી સાફ કરીએ.