પાલનપુરમાં 10 લાખની ચીલ ઝડપ કરનારો આરોપી ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

રતનસિંહ ઠાકોર, પાલનપુરઃ શહેરના અંબિકા નગરના ઇદગાહ રોડ વિસ્તારમાંથી 10.19 લાખની બેગ સ્નેચિંગ કરી અને ફરાર થઈ જનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જો કે, પોલીસે રોકડ સોના-ચાંદીના દાગીના મળી 10.19 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે 58 વર્ષીય શરીફભાઈ જમાલભાઈ શેખ નામના આરોપીને ઝડપી અને જેલ હવાલે કર્યો છે.
ક્યાંક મોજ શોખ માટે ગુના આચરતા હોય છે તો ક્યાંક મજબૂરીમાં ગુનો કરવા મજબૂર બને છે. આવો જ મજબૂરીમાં ચોરીનો એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. આ ઘટનામાં એક વૃદ્ધ આરોપીએ એક વૃદ્ધ ફરિયાદીને ટાર્ગેટ બનાવી અને ચોરી કરી હતી. પાલનપુરના નવા ડાયરા સાત સંચા વિસ્તારમાં રહેતા વૃદ્ધ શરીફભાઈ જમાલભાઈ શેખે પાલનપુરમાં નાણાં ધિરધારનો વ્યવસાય કરતા વૃદ્ધ વેપારીને રોકડ અને સોના ચાંદીના દાગીનાની બેગની સ્નેચિંગ કરી લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે, સાત ડિસેમ્બરે પાલનપુરના અંબિકા નગર ઇદગાહ રોડ પર 2.56 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીનાની કુલ 11 લાખ રોકડ ભરેલી બેગ સ્નેચિંગ થઈ હતી. પાલનપુરના અંબિકા નગરમાં રહેતા અને પાલનપુરની મોટી બજારમાં નાણા ધિરનારનો વ્યવસાય કરતા અશોકકુમાર શાહ સાંજે દુકાન વધાવી અને એક્ટિવા પર 2.56 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને ઘરે આવ્યા હતા. જો કે, જ્યારે ફરિયાદી વૃદ્ધ અશોકભાઈ શાહે એક્ટિવા પાર્ક કરવા ગયા ત્યાં જ અજાણ્યો ઈસમ આ રોકડ અને દાગીના ભરેલી બેગની સ્નેચિંગ કરી અને ફરાર થઈ ગયાની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદીએ કરી હતી.
ગુનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી, એસઓજી અને પૂર્વ પોલીસ સ્ટેશનની ચાર ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી. જો કે, આ તપાસ દરમિયાન પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી ગુનાનો ભેદ ઉકેલ લીધો હતો. પોલીસે બેગ સ્નેચિંગ કરનારા આરોપી શરીફભાઈ જમાલભાઈ શેખ નામના વૃદ્ધને પાલનપુરના સાત સંચા વિસ્તારમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં અને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વૃદ્ધ આરોપી અને નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી અને કોઈ રસ્તો ન દેખાતા આખરે તેમણે ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને વર્ષોથી આ વેપારી ઓળખતા અને તેમના ટાઈમટેબલ અનુસાર તેમણે બેંક સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો. આરોપી વૃદ્ધને પણ ખબર હતી કે, ફરિયાદી પણ વૃદ્ધ છે એટલે ભાગી શકવાના નથી. આ મોકો જોઈને ફરિયાદીના ધર પાસેથી જ લાખોના રોકડ અને દાગીનાની બેગ સ્નેચિંગ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને અત્યારે તો જેલ હવાલે કર્યો છે. પરંતુ મજબૂરી હોય અથવા તો મોજ શોખ હોય ગુનોએ ગુનો છે અને આ ગુનાની સજા આરોપી એવા વૃદ્ધને મળવાની છે.