June 13, 2024

રાજ શેખાવતની અટકાયત પર અભિનેત્રી ઉર્વશી સોલંકીએ કહ્યું- ‘કર્મા’

અમદાવાદ: ગત વર્ષે નવરાત્રી દરમિયાન ગરબામાં વિવાદીત નિવેદન આપીને વિવાદમાં સપડાયેલી અભિનેત્રી ઉર્વશી સોલંકી વિરૂદ્ધ તે સમયે રાજ્યમાં ઘણો હોબાળો થયો હતો. તે સમયે આ વિવાદમાં ક્ષત્રિય આગેવાન રાજ શેખાવતે પણ એક પોસ્ટ કરી હતી અને તેમાં અભિનેત્રીનો મોબઈલ નંબર અને સરનામું માગ્યું હતું. તેમજ રાજ શેખાવતે અભિનેત્રીને નવરાત્રીનું મહત્ત્વ બતાવવા માટે આડકતરી ધમકી પણ આપી હતી. પરંતુ હવે ક્ષત્રિય નેતાની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ આ મામલે અભિનેત્રી ઉર્વશી સોલંકીએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં એક મોટો ધડાકો કરી નાંખ્યો છે.

પ્રથમ તો અભિનેત્રી ઉર્વશી સોલંકીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે, ‘જ્યારે આ દુનિયાને એક દૈવીય શક્તિ જ સંભાળી રહી છે. ત્યારે તમે કેવી રીતે એક મહિલાની ઈજ્જત ઉતારી શકો અને તેને ચેલેન્જ કરી શકો. કર્મા કોઇને છોડતુ નથી. દરેકનો હિસાબ થાય છે પછી તે સાચુ હોય કે ખોટું. હેપ્પી નવરાત્રી, તે દિવસે પણ ભાઈ નવરાત્રી હતી અને આજે પણ નવરાત્રી જ છે.’

આ સાથે જ અભિનેત્રી ઉર્વશી સોલંકીએ રાજ શેખાવત દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અને આજે રાજ શેખાવતની એરપોર્ટ પર થયેલી અટકાયતનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આજે ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવતની અટકાયત થતા ઉર્વશી સોલંકીએ ન્યૂઝ કેપિટલના માધ્યમથી નવરાત્રી દરમિયાનના વિવાદને લઇ ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ તે સમયે તેની સાથે થયેલા દુર્વ્યવહાર અને રાજ શેખાવતની પોસ્ટને લઇ કહ્યું હતું કે, તે સમયે પણ નવરાત્રી હતી અને આજે ચૈત્રી નવરાત્રી છે. ત્યારે મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા હતા અને મને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી હતી. જોકે કર્મા કોઇને છોડતું નથી. આ જ મુદ્દે અભિનેત્રી ઉર્વશી સોલંકીએ ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતા કહ્યું કે, ‘હું વધારે કંઇ કહેવા માંગતી નથી, પરંતુ એટલું જરૂરથી કહીશ કે મારી કોઇની સાથે અંગત દુશ્મની નથી. નવરાત્રી સમયે મારી એક રમૂજને મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો હતો. એક સ્ત્રીના ચરિત્રને સોશિયલ મીડિયામાં ચિતરવામા આવી. તેના પર ગંદી કોમેન્ટસ કરવામાં આવી ત્યારે પણ હું ચૂપ હતી. તે સમયે મારા પર કરણી સેનાના ઘણા ફોન પણ આવ્યા હતા. જોકે હું ચૂપ રહી. તે સમયે મેં બધુ મા દુર્ગા પર છોડી દીધુ હતુ. ત્યારે તે સમયે પણ નવરાત્રી હતી અને આજે પણ ચૈત્રી નવરાત્રી છે.’

આ પણ વાંચો: નવસારી કલેક્ટર કચેરીએ મતદાન જાગૃતિની સુંદર રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે નવરાત્રીના ગરબા દરમિયાન ઉર્વશીએ કહ્યું હતું કે ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. અભિનેત્રીના આ નિવેદનના કારણે રાજ્યમાં ઘણો વિવાદ થયો હતો. જોકે વિવાદ બાદ ઉર્વશી સોલંકીએ કહ્યું હતું કે, હું પણ મા દુર્ગાની ભક્ત છું, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે.