December 19, 2024

ભાઈએ જ પિતરાઇ બહેનના બીભત્સ ફોટા વાયરલ કર્યા, ઓઢવ પોલીસે કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: સ્માર્ટ સિટી એવા અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બહેનને લગ્ન માટે પસંદ નહિ કરતા ભાઈએ પિતરાઈ બહેનનો અશ્લીલ ફોટો બનાવીને વાયરલ કરતા ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આરોપી આકાશ ચુનારા નામના શખ્સે પોતાની સગી બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે પિતરાઈ બહેન તેમજ અન્ય પરિવારના સભ્યોના ફોટો બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ફરિયાદીના મોબાઇલમાં તેના બીભત્સ ફોટા જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેને લઈને સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતાં આ સમગ્ર કાવતરા પાછળ મુખ્ય આરોપી આકાશ ચુનારા હોવાનું સામે આવ્યું હતું જે ફરિયાદીનો પિતરાઈ ભાઈ થાય છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીની બહેનના લગ્ન જે વ્યક્તિ સાથે થવાના હતા તેના લગ્ન ફરિયાદી સાથે થઈ ગયા હતા. જેના કારણે પોતાની બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે આરોપીએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. આરોપી વ્યવસાયે ફોટોગ્રાફર છે જેના કારણે ફરિયાદીના લગ્નની ફોટોગ્રાફી આરોપી આકાશ ચુનારા એ જ કરી હતી જેથી તેની પાસે ફરિયાદી અને તેના પરિવારને મહિલાના ફોટોસ હતા જેનો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે આરોપીએ તેના મોબાઈલ ફોન અને ઇમેલ આઇડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા.

સગી બહેનને લગ્નનું સુખ નહિ મળતાં પિતરાઈ ભાઈએ પિતરાઈ બહેનનો ઘર સંસાર ઉજાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ ગુનાહિત કૃત્ય બદલ તેને જેલના સળીયા પાછળ ધકેલવાનો વારો આવ્યો છે. ઓઢવ પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને તેના મોબાઈલને FSLમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.