October 14, 2024

જામનગરમાં કોલેજીયન તરુણની ઘાતકી હત્યા મામલે પ્રેમ પ્રકરણનો ખુલાસો

જામનગર: જામનગર જિલ્લાના બેડમાં રહેતા કોલેજીયન તરુણની ઘાતકી હત્યા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આમરા ગામના એક શખ્સ અને તેના સાગરીતે ધોકા-પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધા પછી તરુણનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

જામનગર નજીક બેડમાં રહેતા અને ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા અશોકભાઈ રાયસંગભાઈ લાલવાણી નામના શ્રમિકના 17 વર્ષ પુત્ર અભય કે જેના પર આમરા ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા તેમજ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાએ ધોકા અને હથિયાર વડે હુમલો કર્યો હતો. જે ગંભીર રીતે ઘવાતા તને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતાં. જ્યાં લાંબી સારવાર કારગત ન નિવડતા તરુણને હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જેને લઇને બનાવ હત્યામાં પલટાયો છે.

આ હુમલાના બનાવ અંગે ગત 21મી તારીખે અશોકભાઈ લાલવાણીએ આમરાના જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપીને દબોચી લીધા હતા. હાલ બંને આરોપીને જેલ હવાલે કરાયા હતા, અને હુમલામાં વપરાયેલા લાકડી પાઇપ સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાઇ રહ્યું છે.