December 19, 2024

NEET Paper Leak: પરીક્ષા પ્રક્રિયામાં સુધારા સમિતિની આજે મળશે પહેલી બેઠક

NEET Paper Leak: શનિવારે શિક્ષણ મંત્રાલય દ્વારા પરીક્ષા પ્રક્રિયામાં સુધારા, ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારા અને NTAના કામકાજ પર દેખરેખ રાખવા માટે 7 સભ્યોની હાઇલેવલ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની અધ્યક્ષતા ISROના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે આજે સોમવારે આ સમિતિની પહેલી બેઠક મળવા જઈ રહી છે. મહત્વનું છે કે આ સમિતિ આગામી 2 મહિનામાં મંત્રાલયને તપાસનો રિપોર્ટ સોંપાશે.

સાત સભ્યોની સમિતિની રચના કરતાં મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે, “રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ના માધ્યમથી પરીક્ષાઓમાં પારદર્શક, સરળ અને નિષ્પક્ષ સંચાલન સુનિશ્ચિત કરવા માટે, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયએ પરીક્ષા પ્રક્રિયાના તંત્રમાં સુધારા, ડેટા સેફટી પ્રોટોકોલમાં સુધારા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTAના બંધારણ અને કાર્યપદ્ધતિ અંગે ભલામણો કરવા નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.”

ટીકાઓનો સામનો કરી રહ્યું છે NTA

NEET-UGની પરીક્ષાનું આયોજન કરતી એજન્સી NTAને પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લીધે દેશભરમાં અનેક વિરોધ પ્રદર્શનો થયા, જેમાં વિરોધીઓ અને રાજકીય પક્ષોએ NTAના વિસર્જનની માંગ પણ કરી છે.

NEET UGમાં આશ્ચર્યજનક રીતે 67 ઉમેદવારોએ 720 માંથી 720 માર્કસ મેળવ્યા હતા. જેને કારણે ચિંતા વધી ગઈ હતી. CBIએ રવિવારે પરીક્ષાઓમાં અનિયમિતતાઓને લઈને એક ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે એક સ્પેશિયલ ટીમની પણ રચના કરી છે.

એજન્સીનું FIR મુજબ, 5મી મે 2024ના રોજ રોજયેલ NEET (UG) 2024ની પરીક્ષાના આયોજન દરમિયાન કેટલાંક રાજ્યોમાં કેટલાંક કિસ્સાઓ સામે આવ્યા. જેની તપાસ માટે CBIએ સ્પેશિયલ ટીમની રચના કરી છે. આ દરમિયાન, NTAએ દાવો કર્યો છે કે તેમની વેબસાઇટ અને તેના તમામ પોર્ટલ સંપૂર્ણપણે સુરક્ષિત છે. NTA પોર્ટલ સાથે છેડછાડના આરોપોને રદિયો આપતા આવા આરોપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા.