July 4, 2024

CM નાયબ સિંહ સૈનીએ લીધા શપથ, મનોહર લાલ ખટ્ટરના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ

Naib Singh Saini oath as CM: નાયબ સિંહ સૈનીએ હરિયાણાના સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતા પહેલા નાયબ સિંહ સૈનીએ મનોહર લાલ ખટ્ટરના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. રસપ્રદ વાત એ છે કે, જેજેપીના ચાર ધારાસભ્યો દેવેન્દ્ર બબલી, ઈશ્વર સિંહ, જોગીરામ અને રામ નિવાસે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. બીજી બાજુ અનિલ વિજ આ સમારોહથી દૂર રહ્યાં હતાં. માહિતી અનુસાર અનિલ વિજે હાઇકમાન્ડને સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ તેમના જુનિયર સાથે કામ નહીં કરે.

નોંધનીય છે કે નાયબ સિંહ સૈની મંગળવારે (12 માર્ચ) ના રોજ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. બીજી બાજુ ભાજપે મંગળવારે હરિયાણામાં પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા અને મનોહર લાલ ખટ્ટર સહિત તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ભાજપનું જેજેપી સાથેનું ગઠબંધન લોકસભા ચૂંટણી પહેલા તૂટી ગયું હતું.

પરિવર્તન કેવી રીતે થયું?
હકિકતે, હરિયાણામાં પરિવર્તનની વાતો એક અઠવાડિયા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. માહિતી અનુસાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં હરિયાણાની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હરિયાણાનો જાટ સમુદાય મનોહર લાલ ખટ્ટરની સાથે નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જો મનોહર લાલ ખટ્ટર ભવિષ્યમાં મુખ્યમંત્રી પદ પર રહેશે તો જાટ મતદારો એક થઇને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ શકે છે અને પક્ષને નુકસાન થશે. આ અહેવાલ બાદ રણનીતિ બનાવવાનું શરૂ થયું અને અંતે મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું હતું. માહિતી અનુસાર સોમવારે મોડી સાંજે અર્જુન મુંડા અને તરુણ ચુગને ચંદીગઢ વિધાયક દળની બેઠકમાં જવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે.

કોણ છે નાયબ સિંહ સૈની?
નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા. હરિયાણા ભાજપ અધ્યક્ષ છે. સૈની ઓબીસી સમુદાયના છે. તેઓ મનોહર લાલ ખટ્ટરના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ સિંહ સૈનીનું નામ મનોહર લાલ ખટ્ટરની સંમતિથી જ નક્કી કરવામાં આવ્યું છે.