શક્તિસિંહ ગોહિલે મોરબીમાં કહ્યુ – અહીં રેતી-કપચી-ઇંટોથી નહીં ભ્રષ્ટાચારથી મકાન બન્યાં
ડેનિશ દવે, મોરબીઃ રવિવારે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ મોરબીની મુલાકાતે આવ્યા હતા. અહીં 11 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાની રૂબરૂ મુલાકાત લઈ સત્તાધારી ભાજપ પક્ષને આડે હાથ લઈ કહ્યું હતું કે, ‘વિકાસ મોડેલની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજના ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે. અહીં રેતી-કપચી-ઇંટોથી નહીં ભ્રષ્ટાચારથી મકાનો બન્યાં છે.’
મોરબીની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે 11 વરસ પૂર્વે મોરબીમાં 32 કરોડના ખર્ચે આકાર પામેલી મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સ્થાનિક તંત્ર અને ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના પાપે અહીં 11 વર્ષ બાદ પણ કોઈ મધ્યમ કે ગરીબ વર્ગનો નાગરિક રહી શકે તેવી સ્થિતિમાં નથી.’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને વરેલી ભાજપ સરકારના રાજમાં નગર એટલે કે નળ, ગટર અને રસ્તાની પરિભાષા જ બદલાઈ ગઈ છે. મોરબી નગરપાલિકા હોવા છતાં શહેરમાં ગામડાથી બદતર સ્થિતિ છે. લોકોને થોડા વરસાદમાં જ ગંદકીમાં ચાલવા મજબુર થવું પડે છે. ગટર વ્યવસ્થા જેવી કોઈ ચીજ નથી. ત્યારે કોંગ્રેસના રાજમાં બેનલી હાઉસિંગ સોસાયટીઓ આજે પણ અડીખમ હોવાનું અને સુવિધાસભર છે.’
અંતમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજના ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે. મોરબી જ નહીં રાજ્યભરમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતના પાપે ગરીબો અને મધ્યમવર્ગને સુવિધા ન મળતી હોવાનું સ્પષ્ટ છે. ત્યારે 11 વર્ષ પૂર્વે મોરબીમાં બનેલી આ મુખ્યમંત્રી આવાસ યોજના ભાજપના ભ્રષ્ટાચારની ગવાહી આપી રહી છે.’