December 11, 2024

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીમાં પૂરની સ્થિતિ, પૂર્ણા નદીકિનારે આવેલા ગામોમાં નુકસાન

જીગર નાયક, નવસારીઃ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચતા નદીના પૂર્વ પટ્ટીના ગામોમાં આવેલા ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

થોડા દિવસોમાં ઉપરવાસ અને નવસારી જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે ધરતીપુત્રોનાં ચહેરાઓ હસતા કરી દીધા હતા. પરંતુ બીજી તરફ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની લઈને નદી કિનારાઓનાં ગામોની ખેતીવાડીને મોટા પ્રમાણમાં નુક્સાનીઓ વેઠવી પડી છે. જિલ્લાની પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ સુધી વટાવી દેતા ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને નવસારી શહેરના પૂર્વ પટ્ટીમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં લોકો કેરી, ચીકુ સાથે બાગાયતી પાકનું ઉત્પાદન કરે છે. પરંતુ પૂર્ણાં નદીના પાણી વધતા ઉભા પાકને મોટું નુકસાન થયું છે.

કુરેલ ગામમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કેળાની ખેતી કરે છે. આ વર્ષે ખેડૂતોએ અંદાજિત ત્રીસ એકરમાં ખેતી કરી હતી. કેળાની એક કલમ રોપવા માટે ખેડૂતને અંદાજિત 20થી 25 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત મજૂરી અલગથી ચૂકવવી પડે છે. 20 દિવસ પહેલાં રોપવામાં આવેલા કેળાના પાકના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આ તો થઈ કેળાની વાત પરંતુ કેળાની સાથે સાથે ગામના લોકો શેરડી, ચીકુ અને અન્ય પાકોનું પણ ઉત્પાદન લે છે. આ વખતે 40 એકરમાં શેરડી અને અન્ય બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. 20 દિવસ પહેલાં કરવામાં આવેલી રોપણીથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. પરંતુ નદીના પાણી પરિવર્તન મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એક પાકની ખેતી કરવા માટે ત્રણ જુદા જુદા બિયારણની જરૂર પડતી હોય છે. તેનો અંદાજિત ખર્ચ 15 હજાર રૂપિયાથી વધારે થાય છે. ત્યારે ખેડૂતોને યોગ્ય સહાય મળે એવી ખેડૂતો પણ માગ કરી રહ્યા છે.

ખેડૂતોને થયેલા નુકસાન અંગે હાલ ખેતીવાડી વિભાગ દ્વારા સરવે ચાલુ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં જુદી જુદી છ ટીમો બનાવી સરવેની કામગીરી ચાલુ છે. જેનો અંતિમ રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.