November 22, 2024

હર્ષ સંઘવીએ સુરતના કામરેજમાં ધ્વજવંદન કર્યું

સુરત: આજે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે. આ વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતના કામરેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બદલ અધિકારીઓ, કર્મીઓ તેમજ શિક્ષણ, રમતગમત અને કલા જેવા ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરવા બદલ વિવિધ મહાનુભાવોને સન્માનિત કર્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, શૌર્યનું સન્માન, શાંતિ પ્રદાતાઓનું સન્માન, કલાની વિવિધ વિધાના સંવાહકોનું સન્માન ! સુરતના કામરેજ ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બદલ અધિકારીઓ, કર્મીઓ તેમજ શિક્ષણ, રમતગમત અને કલા જેવા ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરવા બદલ વિવિધ મહાનુભાવોને સન્માનિત કર્યા.

આ સિવાય હર્ષ સંઘવીએ સુરતના કામરેજમાં ધ્વજવંદન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું છે કે, દેશની આઝાદીના પાયામાં જેમનું બલિદાન છે તેવા વીર સપૂતો અને દેશના બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ વંદના કરીને ૭૫મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરતના કામરેજમાં ધ્વજવંદન કર્યું અને સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી. પ્રચંડ જનમેદનીના રાષ્ટ્રપ્રેમ અને જયનાદ સાથે સ્વતંત્રતા પર્વનો આજનો દિવસ અવિસ્મરણીય, વિશિષ્ટ અને વિરાટ બની રહ્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વ હેઠળ દેશ જ્યારે આજે આઝાદીના અમૃતકાળમાં વિકાસના સુવર્ણકાળના શિખરે પહોંચીને સશક્ત ભારત બન્યું છે ત્યારે ભારતની નારીશક્તિ પણ તેના સામર્થ્ય બળ વડે દેશને રક્ષણ આપવા માટે ક્ષમતાવાન છે. જેના દર્શન આજે દિલ્હી કર્તવ્યપથ પર થયા. ભારતની ભવ્યતા અને દિવ્યતાનું જતન કરનારા જન-જનને આજના પાવન દિવસે સલામ.