September 19, 2024

પેજર બ્લાસ્ટમાં ઇરાનના રાજદૂત પણ ઘાયલ, 200ની હાલત નાજુક

બેરુતઃ મંગળવારે લેબનોનમાં એકસાથે સેંકડો પેજર્સ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 2700થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પેજર વિસ્ફોટમાં મોટાભાગના ઇજાગ્રસ્તો હિઝબુલ્લાના સભ્યો છે. ઘાયલોમાં લગભગ 200ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સમાચાર છે કે, આ વિસ્ફોટમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ સહેજ ઘાયલ થયા છે. ઈરાનની અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સીએ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, ‘અમાનીને સામાન્ય ઈજા થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે.’

બીજી તરફ, લેબનોનની અલ-જાદીદ ટીવી ચેનલે ઈઝરાયલી સેના પર આરોપ લગાવ્યો છે કે, તેણે આ પેજર્સની બેટરીઓને નિશાન બનાવી છે. જેના કારણે ઘણા પેજર્સ વિસ્ફોટ થયા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી ફિરાસ આબેદે કહ્યું કે, ‘વિસ્ફોટમાં 2750 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 200ની હાલત નાજુક છે.’ અહેવાલ મુજબ, તમામ ઘાયલોને લેબનીઝ રાજધાની બેરૂત અને તેના દક્ષિણી ઉપનગરોમાં સ્થિત દહીહની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ, ઈઝરાયલના બહુભાષી ઓનલાઈન અખબાર ટાઈમ્સ ઓફ ઈઝરાયલે રોઈટર્સના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, પેજર વિસ્ફોટમાં હિઝબુલ્લાનો એક અગ્રણી સભ્ય જાનહાનિમાં સામેલ છે . લેબનીઝ મીડિયા અનુસાર, ‘ઉત્તર-પૂર્વ લેબનોનના બાલબેક જિલ્લામાં આ ઉપરાંત એક યુવતીનું મોત થયું હતું.’ એવો પણ અહેવાલ છે કે, લેબનોનમાં સેંકડો પેજર્સ વિસ્ફોટ થતાં ટોચના હિઝબુલ્લાહ નેતાઓ અને તેમના સલાહકારો ઘાયલ થયા હતા.

હિઝબુલ્લાએ ઇઝરાયલ પાસેથી બદલો લેવાનું વચન આપ્યું
પેજર બ્લાસ્ટ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવીને બદલો લેવાનું વચન આપ્યું છે. હિઝબુલ્લાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ ઘટના ઇઝરાયલ સાથેના લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષમાં જૂથની સૌથી મોટી સુરક્ષા ભૂલ હતી.

હિઝબુલ્લા એક શક્તિશાળી લેબનીઝ ઇસ્લામી મિલિશિયા અને રાજકીય ચળવળ છે. તે ઈઝરાયલનો કટ્ટર દુશ્મન છે, જેને ઈરાન ખુલ્લેઆમ સમર્થન કરતું રહ્યું છે. બીજી તરફ ગાઝામાં ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ચલાવી રહેલા પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે કહ્યું છે કે, પેજર બ્લાસ્ટ ઉશ્કેરણી છે, જે ઈઝરાયલને નિષ્ફળતા અને હાર તરફ લઈ જશે.