મહેસાણામાં દીપડાનો બે વ્યક્તિ પર હુમલો, સમગ્ર પંથકમાં ભયનો માહોલ

મહેસાણામાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે.
આશિષ પટેલ, મહેસાણાઃ જિલ્લાના સતલાસણા તાલુકાના કનેડિયા ગામમાં વહેલી સવારે લોકો ખેતરમાં રાબેતા મુજબ કામગીરી શરૂ કરી રહ્યા હતા. ત્યારે ખેતરમાં એકાએક આવી ચડેલા વન્ય પ્રાણી દીપડાએ મહિલા અને એક પુરુષ પર હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
સતલાસણા તાલુકાના કનેડીયા ગામમાં વહેલી સવારે 7 વાગ્યા આસપાસ લોકો રાબેતા મુજબ પોતાની કામગીરી કરી રહ્યા હતા. તે વખતે ખેતરમાં એક દીપડો ચડી આવ્યો હતો અને પોતાના ઘર આગળ બ્રશ કરી રહેલી એક મહિલા અને ખેતરમાં કામ કરી રહેલ પુરુષ પર હુમલો કરી દીધો હતો. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષ બંનેને સતલાસણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી, પરંતુ દીપડો નાસી જતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચોઃ ગીર-સોમનાથમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
દીપડાના હુમલાને પગલે ગામની સીમમાં ફરતા દીપડાના કેટલાક દ્રશ્યો કેમેરામાં પણ કેદ થવા પામ્યા છે. જેમાં ગામમાં દીપડાએ દહેશત મચાવતા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાના ડરના કારણે ગામ લોકો ગામમાંથી ખેતરમાં જવા બાળકોને રમવા, સ્કૂલ જવામાં પણ ભયનો અનુભવ કરી રહ્યા છે.