July 6, 2024

Lok Sabha Election Results 2024: ચૂંટણીની પરીક્ષામાં Gujaratના આ દિગ્ગજોનું પરિણામ

Lok Sabha Election 2024 Result: દુનિયાના સૌથી મોટા ચૂંટણી પર્વમાં આજે પરિણામનો દિવસ છે. ફેંસલાના આ સમયમાં સરકારની સાથે તેમના મંત્રિઓની કિસ્મત પણ દાવ પર લાગેલી છે. નરેન્દ્ર મોદી કેબિનેટના 50થી વધુ મંત્રિઓએ લોકસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત દાવ પર લગાવી છે. લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે હવે દરેક પક્ષમાં હાર જીતની ચર્ચાએ જોર પકડ્યું છે.

અમિત શાહઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. શાહ 2019માં અહીંથી જીત્યા હતા. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસની સોનલ પટેલ સાથે છે. સોનલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પર 69.3% મતદાન થયું હતું.

મનસુખ માંડવિયા: મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે. માંડવિયા અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના લલિતભાઈ વસોયા સામે ચૂંટણી લડી રહ્યા છે. 2019માં અહીંથી ભાજપના રમેશભાઈ લવજીભાઈ ધડુક જીત્યા હતા. ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર 58.9% મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો: મતગણતરી અગાઉ અને મતગણતરી બાદ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે?

સીઆર પાટીલ: વર્ષ 2009થી આ સીટ પર સીઆર પાટીલ સતત ભાજપમાંથી આ બેઠક જીતી રહ્યા છે. ત્યારે હાલ સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેમની સામે આ સીટ પરથી કોંગ્રેસના નૈષધ દેસાઈ મેદાને ઉતર્યા છે. તેમણે પણ 10 લાખની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી છે.

પરેશ ધાનાણી: લેઉવા પાટીદાર સમાજનું મોટું માથું ગણાતા કોંગ્રેસના આ ઉમેદવારને રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રુપાલા સામે મેદાને ઉતારવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, રાજકોટ લોકસભા મતવિસ્તારમાં લેઉવા પાટીદારોનું વર્ચસ્વ વધારે છે અને બીજી તરફ ક્ષત્રિય આંદોલનને કારણે અહીં કોંગ્રેસને ફાયદો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૈતર વસાવા: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ વખતે ગઠબંધનથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તે પ્રમાણે ભરૂચ લોકસભા બેઠક પરથી તેમણે આદિવાસી ચહેરો ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા છે, જે છેલ્લા 7 ટર્મથી એટલે કે 35 વર્ષથી ભાજપમાંથી ચૂંટાતા આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્યને મેદાને ઉતારીને નવો દાવ ખેલ્યો છે. ઉલ્લેખનીય છે કે, બંને આદિવાસી બેલ્ટમાં ખૂબ જ મોટો ચહેરો હોવાથી આ સીટ પર પણ રસાકસી થાય તેવું દેખાઈ રહ્યું છે.

પરશોત્તમ રૂપાલા: રાજકોટ ખાતેથી પરશોત્તમ રૂપાલા ચૂંટણી મેદાનમાં છે અને તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ બાદ હાલમાં આ બેઠક ખુબ જ ચર્ચાનો વિષય રહી છે. ત્યારે પરશોત્તમ રૂપાલા આ બેઠક પરથી જીતે છે કે હારે છે તેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ગેનીબેન ઠાકોર: બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે રેખાબેન ચૌધરીને ગેનીબેન ટક્કર આપી શકે છે. જોકે, બનાસકાંઠામાં કોંગ્રેસનું મેનેજમેન્ટ સારું છે. કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર આપતા સામાજીક સમીકરણો બદલાયા છે. જ્યારે ભાજપના ઠાકોર નેતાઓ પણ ગેનીબેનને સમર્થન કરી રહ્યા છે. આ સિવાય જિજ્ઞેશ મેવાણીના મતો પણ ગેનીબેનના ખાતામાં જાય તેવી શક્યતાઓ છે.