November 22, 2024

નવસારીના ક્ષત્રિય સમાજના 108 જેટલા આગેવાનો દ્વારા ભાજપને સમર્થન જાહેર

અમિત રૂપાપરા, સુરત: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યાલય ખાતે નવસારીના ક્ષત્રિય સમાજના 108 જેટલા આગેવાનો દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેમનો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલા સુધી છે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેમનો વિરોધ નથી.

નવસારીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જેમાં નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંત સિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપ ગોહિલ નવસારી જિલ્લાના રાજપૂત અગ્રણીઓ સી.આર. પાટીલને સમર્થન જાહેર કર્યું છે. સુરત ખાતે આવેલ સી.આર. પાટીલના કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજના 108 આગેવાનોની હાજરીમાં ક્ષત્રિય સમાજના અગ્રણી શૈલેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે.

વધુમાં શૈલેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ક્ષત્રિય ધર્મ અનુસાર રાષ્ટ્ર ધર્મ અમારે હંમેશા અગ્રેસર હોય છે. એટલા માટે જ અમે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સમર્થન આપીએ છીએ. અમારો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલા સાથે છે ભાજપ સરકાર સાથે અમારો કોઈ પણ વિરોધ નથી. જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે, પરંતુ આજે ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સુરત ખાતે આવ્યા છે. આ 108 આગેવાનોએ રાજકોટમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને તેમની એક સ્પષ્ટ વાત છે કે, તેમનો જે રોષ છે તે પરશોત્તમ રૂપાલા સામે છે. ક્ષત્રિય સમાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈપણ પ્રકારનો વાંધો નથી. દેશના રાજ્યના અને વિસ્તારના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે યોગદાન છે તેને વિશાળે પાડી શકાય નહીં. એટલા જ માટે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પણ તેમને ખૂબ જ સન્માન છે.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સામેથી આવ્યાં છે અને તેમણે જણાવ્યું છે કે, અમારો જે રોષ અને વિરોધ છે તેને મર્યાદિત રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને અમે સમર્થન કરીશું. આ ઉપરાંત અગ્રણીઓએ તેમની સાથે રહેલા અન્ય અગ્રણીઓને પણ આ બાબતે અપીલ કરી છે. આજે તેઓ પોતાના વિરોધને અકબંધ રાખીને બહાર આવ્યા છે, એટલે આજે અમે તેમનું સ્વાગત પણ કરીએ છીએ. ક્ષમા આપવામાં સૌથી મોટું કોઈનું દિલ રહ્યું હોય તો તે ક્ષત્રિય સમાજનું રહ્યું છે. પોતાના શરણે આવેલો વ્યક્તિ જે કોઈપણ સમાજનું હશે તેનું રક્ષણ કરવા માટે પોતાના જાનની આહુતિ આપી દીધી હોવાના અનેક દાખલાઓ સમાજમાં છે. આ સમાજ ખમીરવંતો સમાજ છે અને સૌથી વધારે લડાઈ કદાચ ક્ષત્રિય સમાજ એ જ લડી છે અને આ સમાજને જ્યારે આહત થાય ત્યારે સ્વાભાવિક છે કે તેમનું રિએક્શન પણ સામે આવે, પરંતુ આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું છે અને મોદી સાહેબનું સમર્થન કર્યું છે તેના માટે હું સૌનો આભાર માનું છું.

દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની વાત સૌરાષ્ટ્રના ક્ષત્રિયો સમજશે કે નહીં બાબતે સી આર પાટીલે જણાવ્યું હતું કે, આ એક પ્રયાસ છે. ભાજપ અલગ અલગ વિસ્તારમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અમારા સંગઠનના રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને કેટલીક જગ્યા પર આગેવાનોને હું પણ મળ્યો છું અને તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમનું આવેદનપત્ર પણ માગ્યું છે અને તેમનો વિરોધનો જે વંટોળ હતો વાવાઝોડું હતું અને તેના જ કારણે અમને રિસ્પોન્સ નહોતો મળ્યો. મને અલગ અલગ વિસ્તારમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને ચૂંટાયેલા પદાધિકારીઓ છે તેમને પણ હવે એવું લાગી રહ્યું છે કે, આમાં હવે સમાજે કંઈ વિચારવું જોઈએ. આ બધાનું અંગત મંતવ્ય છે અને સમાજને અપીલ કરવાનું તેમનો અધિકાર છે. સમાજ તેમની વાતને સ્વીકારે અને અમારી બધાની જે લાગણી છે તે ગુજરાતના હિતમાં છે.