December 5, 2024

લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સાહિત છે 102 વર્ષના સવિતાબા

દર્શન ચૌધરી, વડોદરા: તીવ્ર યાદશક્તિ, ખુશમિજાજ અને આયખાની સદી વટાવી ચૂકેલા સવિતાબા લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવાનો તેમનો હરખ યુવા મતદારોને શરમાવે તેવો છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સવિતાબા (સવિતા મંગળદાસ શાહ) સરળ દિનચર્યા, વ્યાયામ અને પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવાના કારણે 102 વર્ષે પણ અડીખમ છે. તેઓ દરરોજ ધાર્મિક પુસ્તકો વાંચે છે અને આધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહે છે. આ ઉંમરે પણ તે લોકશાહીના તહેવારની ઉજવણી કરવા માટે આતુર છે. આ સાથે જ તેમણે તમામ મતદારો અને ખાસ કરીને યુવા મતદારોને કોઈ પણ બહાના બનાવ્યા વગર ઘરેથી નીકળીને મતદાન કરવાની અપીલ કરી છે.

અચૂક મતદાનના હિમાયતી સવિતાબા આજ સુધી ક્યારેય કોઈ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂકયા નથી. તેમણે આજની પેઢીના મતદારોને વિશેષ અપીલ કરતા કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી એ મતદારો માટે કાર્યવાહી કરવાનો અવસર છે. મતદાન પ્રત્યે ઉદાસીનતા ધરાવતા મતદારોને તેમણે શીખ આપતા જણાવ્યું હતું કે, ‘હું મતદાન કરીશ અને તમે પણ અચૂક મતદાન કરજો.’