June 30, 2024

Kuwait અગ્નિકાંડના પીડિતોના પરિવારને 12.5 લાખનું વળતર આપશે કુવૈત સરકાર

Kuwait Fire Tragedy: કુવૈત સરકાર દક્ષિણ અહમદી પ્રાંતના મંગફ વિસ્તારમાં સર્જાયેલ અગ્નિકાંડના પીડિતોના પરિવારને 15,000 અમેરિકન ડોલર એટલે કે અંદાજિત 12.5 લાખ રૂપિયાનું વળતર આપશે. આ આગમાં 50 લોકોના મોત થયા હતા જેમાંથી 46 મૃતકો ભારતીય હતા. કુવૈત મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. કુવૈતી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગફ શહેરમાં ગત 12 જૂનના રોજ સાત માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડના રૂમમાં થયેલ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

અગ્નિકાંડમાં 46 ભારતીયોના મોત

આ બિલ્ડિંગમાં 196 પ્રવાસી મજૂરો રહેતા હતા જેમાંથી મોટાભાગના ભારતીયો હતા. કુવૈતી મીડિયાએ મંગળવારે જણાવ્યું છે કે કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહના આદેશોથી પીડિતોના પરિવારને 15 હજાર યુએસ ડોલર એટલે કે 12.5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સરકારી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વળતર ચૂકવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને પીડિતોના દૂતાવાસને વળતરની રકમ મોકલી આપવામાં આવશે. મૃતકોમાં 46 ભારતીયોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 3 મૃતક ફિલિપિન્સના હતા. તો મૃતકોમાંથી એકની હજુ સુધી ઓળખ નથી થઈ શકી.

પીડિતોના દૂતાવાસ દ્વારા વિતરણ કરવામાં આવશે વળતર

મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત દૂતાવાસ એ સુનિશ્ચિત કરશે કે આગને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારોને વળતરની રકમ આપવામાં આવે, આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે પીડિતોના પરિવારોને સુધી વળતરની રકમ જલ્દી મળી રહે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ આર્થિક સહાયતાનો હેતુ આવા કપરા સમયમાં શોકમગ્ન પરિવારોની સહાયતા કરવાનો છે. ભારત સરકારે પણ આગમાં મોતને ભેટેલા ભારતીય નાગરિકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. કેરળ સરકારે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે કુવૈત અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના પરિવારોને સરકાર તરફથી 5-5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

મોતને ભેટેલ 46 ભારતીયો માંથી 24 કેરળના વતની 

ઉલ્લેખનીય છે કે, કુવૈત અગ્નિકાંડમાં મોતને ભેટેલ 46 લોકોમાંથી 24 નાગરિકો કેરળના હતા. કુવૈત સરકારે દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. કુવૈતના સરકારી વકીલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે દુર્ઘટનાની તપાસનો હેતુ ઘટના પાછળની પરિસ્થિતિઓ સામે લાવવાનો છે અને તે જાણવાનો છે કે કેવી રીતે આ ભયાનક આગ લાગી હતી. આગની ઘટના બાદ સુરક્ષા અને બચાવ કામગીરીમાં બેદરકારીને કારણે મોત અને ઇજાગ્રસ્ત થવાના આરોપોમાં એક કુવૈતી નાગરિક અને અનેક વિદેશી નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.