July 2, 2024

Kuno National Park: વરસાદી સંક્રમણથી ચિત્તાઓને બચાવવા માટે અપાઈ રહી છે દવા

Kuno National Park: મધ્ય પ્રદેશના શ્યોપુરમાં આવેલ કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વિદેશી દવા આપવાની શરૂઆત કરવામાં આવી છે. દવા લગાવવાનો હેતુ ચિત્તાઓમાં થનાર સેપ્ટિસેમિયા સંક્રમણ રોકવાનો છે. ગત વર્ષે આ સંક્રમણને કારણે 3 ચિત્તાઓના મોત થયા હતા.

વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા ચિત્તાઓને ચેપથી બચાવવા માટે એન્ટિ-એક્ટો પેરાસાઇટ દવા આપવામાં આવી રહી છે. આ દવા પાર્કના તમામ 13 પુખ્ત વયના ચિત્તાઓને વરસાદી વાતાવરણને કારણે થતા ચેપથી બચાવવા માટે આપવામાં આવી રહી છે.

KNPના ડિરેક્ટર ઉત્તમ શર્માએ રવિવારે જણાવ્યું હતું કે, “અમે ચોમાસાની શરૂઆત સાથે જ ચિત્તાઓને સ્થાયી કરીને દક્ષિણ આફ્રિકાથી મંગાવવામાં આવેલી એન્ટિ-એક્ટો પેરાસાઈટ આપવાની શરૂઆત કરી છે. તેમને વધુમાં જણાવ્યું કે અમે શ્યોપુર જિલ્લાના બફર ઝોન સહિત 1,235 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા કૂનો નેશનલ પાર્કના તમામ 13 પુખ્ત ચિત્તાઓના શરીર પર લગાવી રહ્યા છીએ. આ દવાની અસર ત્રણથી ચાર મહિના સુધી રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કૂનો નેશનલ પાર્કમાં ગત વર્ષે સેપ્ટિસેમિયા સંક્રમણને કારણે ત્રણ ચિત્તાઓના મોત થઈ ગયા હતા. એવામાં ચોમાસાની ગતિવિધિને જોતાં ચિત્તાઓની સુરક્ષાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે.