September 18, 2024

કરજણ ડેમનું જળસ્તર વધ્યું, જળસપાટી 107 મીટર થતાં 2 દરવાજા ખોલાયા

પ્રવીણ પરવારી, નર્મદા: નર્મદા જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. જેણે પગલે કરજણ ડેમના ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ટોટલ વરસાદ 776 મી.મી નોંધાયો છે. જેણે લીધી કરજણ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટી 107.37 મીટર નોંધાઇ છે. ડેમની જલસપાટી વધતાં 2 ગેટ 0.40 મીટર ખોલવામાં આવ્યા છે. મહત્વનું છે કે કરજણ ડેમની ભયજનક જળ સપાટી 116.11 મીટર છે.

મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં 3,487 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વધુમાં, કરજણ ડેમના દરવાજા ખોલવામાં આવતા હાઇડ્રો પાવર ચાલુ થતા વીજ ઉત્પાદન શરૂ થયું છે. હાલ, હાઇડ્રો પાવરમાંથી 430 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જ્યારે, કરજણ ડેમના ગેટમાંથી 3,058 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ નદીમાંથી કુલ 3487 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

વધુમાં જાણવા મળી રહ્યું છે કે કરજણ ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 313.09 મિલિયન ક્યુબીક મીટર (MCM) છે. હાલ કરજણ ડેમ 62 ટકા ભરેલો છે. ઉપરવાસમાં થયેલ ભારે વરસાદ બાદ ડેમમાં થઈ રહેલ પાણીની ભરપૂર આવક અને ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે. કરજણ, ઓવરા સહિત નદી કાંઠે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.