November 23, 2024

જૂનાગઢમાં રેકોર્ડ બ્રેક 46 કરોડ રૂપિયાના વેરાની વસૂલાત

junagadh municipal corporation record break tax income 46 crore

જૂનાગઢ મહાનગરપાલિકાએ રેકોર્ડ બ્રેક વેરો વસૂલ્યો છે.

સાગર ઠાકર, જૂનાગઢઃ જૂનાગઢ મનપાનો ચાર્જ સંભાળતાંની સાથે જ કમિશનર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહાનગરપાલિકાની હદમાં બાકી રહેતા વેરા માટેની વસૂલાત કરવા સૂચના આપવામાં આવી હતી. આમ પણ નાણાંકીંય વર્ષના અંતે વેરાની રકમ બાકી રહેતી હોય તેના માટે ખાસ ઝૂંબેશ ચલાવવા ડો. ઓમ પ્રકાશની સૂચનાથી ઘરવેરા શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢ મનપા દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશ અંતર્ગત છેલ્લા એક મહિનામાં નોટીસ બાદ પણ વેરો ભરપાઈ નહીં કરનારા 200 જેટલા મિલકતધારકોની મિલકત સીલ કરવામાં આવી છે. ત્રણ તબક્કામાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 6 હજાર નોટીસ ઈશ્યૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં 5 હજાર નોટીસ ઈશ્યૂ કરવામાં આવી અને ત્રીજા તબક્કામાં પણ 5 હજાર નોટીસ ઈશ્યૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, 1400 રૂપિયા પ્રતિ બોક્સ

મનપા દ્વારા 31 માર્ચ સુધીમાં વેરો ભરપાઈ કરનાર માટે 100 ટકા વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ મનપા દ્વારા સૈનિકો અને શહીદોના પરિવારજનો માટે 100 ટકા વેરો માફ કરવામાં આવ્યો છે. જ્યારે દિવ્યાંગો માટે 100 ટકા કરમુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રજાના દિવસોમાં પણ લોકો વેરો ભરપાઈ કરી શકે તે માટે જન સેવા કેન્દ્ર રજાના દિવસોમાં પણ કાર્યરત હતું. તેથી વ્યાજથી બચવા લોકોએ 31 માર્ચ પહેલાં જ વેરો ભરપાઈ કરવાનું પસંદ કર્યુ હતું અને જન સેવા કેન્દ્રમાં રજાના દિવસોમાં પણ વેરો ભરપાઈ કરવા લોકોની લાઈનો જોવા મળી હતી.

મનપા દ્વારા શહેરના ચાર સ્થળોએ વેરો ભરપાઈ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. મનપા કચેરીએ જન સેવા કેન્દ્ર ઉપરાંત શહેરના દોલતપરા, જોષીપરા અને ટીંબાવાડી ઝોનલ ઓફીસ ખાતે પણ વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. મનપાની વેરા વસૂલાતની ઝૂંબેશના કારણે મનપાના ઈતિહાસમાં રેકર્ડ બ્રેક વેરા વસૂલાત થઈ છે. છેલ્લા એક મહિનામાં મનપાએ 46 કરોડથી વધુનો વેરો વસૂલ કર્યો અને આ આંકડો 51 કરોડ પહોંચવાની સંભાવના છે. જૂનાગઢ મનપાના ઈતિહાસમાં આ વિક્રમી વેરા વસૂલાત છે.