September 14, 2024

ઇન્દ્રએ 10 હજાર વર્ષ કરી મહાદેવની તપશ્રર્યા, જંગલમધ્યે બિરાજમાન ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાના ત્રેવીસમા દિવસે શિવાલયયાત્રા ફરીથી જૂનાગઢ પહોંચી છે. અહીં જંગલમધ્યે બિરાજમાન છે પુરાણપ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવ. આવો જાણીએ આ શિવાલયનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, સતયુગમાં જ્યારે ઇન્દ્રદેવને ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા પર કપટ કરવાના પરિણામે ક્ષણભંગ(કોઢ) થવાનો શ્રાપ આપેલો. તેના નિરાકરણ માટે નારદમુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિપૌરાણિક જગ્યા જોગણિયા ડુંગર (ગિરનાર પર્વતમાળાનો એક પર્વત) પાસે શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની આરાધના કરી હતી.

ઈન્દ્રેશ્વર મહાદેવના શિવાલયની સામે બાણગંગા કુંડ આવેલો છે. એવું કહેવાય છે કે, મહાદેવની સ્થાપના પછી ઇન્દ્રદેવે અહીં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી. ત્યારપછી તેમણે મેળવેલી તપસિદ્ધિ અને નારદજીની પ્રેરણાથી તેમણે અહીં મંદિરથી દસ ડગલાં દૂર જમીનમાં બાણ મારીને બાણગંગા પ્રગટ કરી હતી. ત્યારબાદ તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં તેમના શરીરે થયેલો કોઢ દૂર થયો હતો અને તેઓ દેવલોક પરત ગયાં હતા. આ રીતે ઇન્દ્રએ સ્થાપના કરી હોવાથી આ મહાદેવ ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’ તરીકે જાણીતા થયા હતા.

એવી માન્યતા છે કે, આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણગંગાના જળથી સ્નાન કરે છે, તો તેના શરીરમાં થયેલો કોઢ દૂર થાય છે. દુષ્કાળ સમયે પણ આ કુંડમાંથી ક્યારેય પાણી ખુટ્યું નથી.

પરિસરમાં મા અન્નપૂર્ણા અને મા ગાયત્રીના દર્શન
ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલા મા અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ, મા અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વર્ષ 1979માં બાંધવામાં આવેલાં ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.

નરસિંહ મહેતા પર ઈન્દ્રેશ્વર મહાદેવ પ્રસન્ન થયા હતા
એક લોકવાયકા એવી પણ છે કે, આદિ કવિ નરસિંહ મહેતા અહીં જંગલમાં ગાયો ચરાવવા આવતા હતા. ત્યારે આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આંચળમાંથી દૂધની ધારાવાળી થતાં તેઓ ભાવવિભોર થઈ લિંગને બાથ ભરીને બેસી ગયા હતા. સતત સાત દિવસ સુધી તેમણે તપશ્ચર્યા કરી અને મહાદેવે આકાશવાણી સ્વરૂપે કહ્યું કે, ‘નરસિંહ તું આ લિંગ છોડી દે, હું તારા પર પ્રસન્ન છું.’ ત્યારે નરસિંહ મહેતાએ પોતાના નાગર કુળમાં કોઈ દુઃખી ન રહે અને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરવા માટે વરદાન માંગ્યું હતું. ત્યારપછી શિવજીએ તેને છ મહિના સુધી કૈલાસ પર્વત ઉપર કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કરાવ્યા હતા.

ઈન્દ્રેશ્વર મહાદેવની આ પાવન ભૂમિમાં નરસિંહ મહેતાએ એક વડલાના વૃક્ષનું વાવેતર કર્યું હતું, જે આજે પણ હયાત છે અને અહીં આવતા ભાવિકોને છાંયડો આપે છે. આ ઉપરાંત અહીં અતિદુર્લભ કહેવાતું ગૌરીશંકરનું વૃક્ષ પણ છે. જેના ફુલમાં શંકર ભગવાનનું લિંગ, થાળું અને શેષનાગ જોવા મળે છે.

આ જગ્યામાં રજવાડા સમયે નવાબ રસૂલખાનજીએ ગૌશાળા બંધાવી આપી હતી અને મંદિરનો જીણોદ્ધાર પણ કરાવ્યો હતો. અહીંના મહંત ત્રિગુણાનંદજીની પ્રેરણાથી જૂનાગઢથી રાજકોટ તરફ જતાં રોડ સુધીનો રસ્તો નવાબ દ્વારા બનાવી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ નવાબે આ જગ્યા મહંત ત્રિગુણાનંદજીને તામ્રપત્ર ઉપર લખી આપી હતી.