June 28, 2024

જામનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, ઢાંઢર નદીમાં પૂરની સ્થિતિ

જામનગરઃ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાલપુરમાં ધોધમાર વરસાદથી ઢાંઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઢાંઢર નદીમાં પૂર આવતા વાહનચાલકો ફસાયા છે. તો બીજી તરફ, લોકો જીવનાં જોખમે પૂલ પાર કરી રહ્યા છે.

જામનગર જિલ્લા અને શહેરમાં પ્રથમ વરસાદે જ PGVCL અને તંત્રની પોલ ખોલી નાંખી છે. જામનગર શહેરમાં વીજ શોક લાગતા ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વીજ પોલ અને ખુલ્લા બોક્સને લીધે પશુ અને લોકોના જીવને જોખમ છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં કરોડોનો ખર્ચ કર્યો છતાં પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાંખી છે. શહેરમાં ગોકુલનગરમાં વીજ શોક લાગતા ગાયનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગાયના મોતથી પશુપાલકોમાં રોષની લાગણી છવાઈ છે.

આ પણ વાંચોઃ જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી, કરંટ લાગતા ગાયનું કમકમાટીભર્યું મોત

જામનગરમાં કાલાવડના મૂળીલા ગામે પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ છે. ગામલોકો દ્વારા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડતા મૂળીલા ગામની નદીમાં પૂર આવ્યું છે. પૂર આવતા મૂળીલાથી નપાણીયા ખીજડિયાનો પૂલ તૂટી ગયો છે. પૂલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરતા રસ્તો ન બનતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે.