December 5, 2024

જામનગરમાં દુષ્કર્મીના રહેઠાણ પર SPની હાજરીમાં બુલડોઝર ફેરવાયું

જામનગરઃ જિલ્લામાં ફરી SP પ્રેમસુખ ડેલુએ આરોપીઓના રહેઠાણ પર બુલડોઝર ફેરવ્યું છે. થાવરિયામાં આવેલા કુખ્યાત શખ્સના ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.

આરોપી હુસેન ગુલમામદ શેખ દ્વારા કરાયેલા દબાણને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આશરે એકાદ માસ અગાઉ યુવતી પર સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ હતી. શહેરની ઘાંચી ખડકી વિસ્તારમાં રહેતા આરોપીએ પંચેશ્વર ટાવર વિસ્તાર ખાતેના ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતી પર તેના મિત્રો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય આરોપીના થાવરીયા નજીક આવેલા ગેરકાયદે ફાર્મ હાઉસનું આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઘટનાસ્થળે એસપી પ્રેમસુખ ડેલુ ખુદ હાજર રહ્યા હતા.

જામનગર ગ્રામ્ય તાલુકાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ નાઓએ ૧૧ વીધા (ચો.મી. આશરે – ૧૮૪૫૮) જમીનમાં ‘અશદ ફાર્મ હાઉસ’ તથા તાર ફેન્સિંગ કરી દબાણ કરેલું છે. આ દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ વિરૂદ્ધ હાલમાં જ નવેમ્બર – 2024માં સિટી એ-પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ, બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ – 07 ગુના દાખલ થયેલ છે.