September 8, 2024

મગફળીના પાકમાં મુંડાનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતા, જામનગરના 31 ગામમાં ફેલાયો

સંજય વાઘેલા, જામનગરઃ જિલ્લાના મુખ્ય ગણાતા મગફળીના પાકમાં મુંડાનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. જામનગર જિલ્લાના 6 તાલુકાના 31 ગામમાં આ રોગ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં અનૂકૂળ વાતાવરણના કારણે આ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાત મગફળીના છોડવાના મૂળ કાપી નાંખતા પાક નિષ્ફળ જાય છે. મુંડા એટલે કે સફેદ ધૈણનાં રોગથી મગફળીની ગુણવતા અને ઉત્પાદનને માઠી અસર થવાની ભીતિ નકારી શકાતી નથી.

જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી છે. બંને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાવણી પૂર્ણ થયા બાદ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પરંતુ જામનગર જિલ્લાના 31 અને કલ્યાણપુર પંથકમાં મુખ્ય પાક મગફળીમાં મુંડા એટલે કે સફેદ ધૈણના રોગના ઉપદ્રવથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. મુંડાની 14 જેટલી પ્રજાતિ મગફળીના પાકને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આ જીવાતોનો ઉપદ્રવ પોચી, ભરભરી, ગોરાળું, રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે.

આ જીવતા મગફળીના છોડને કાપીને નાશ કરી નાંખે છે. આટલું જ નહીં, જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થો અને ઘણા આર્થિક પાકોની રૂટ સિસ્ટમ પર તેઓ નુકસાન પહોંચાડે છે. આમ તો સફેદ ઘૈણ વર્ષ દરમિયાન હાજર હોય છે. પરંતુ વરસાદની મોસમ દરમિયાન તેનો ઉપદ્રવ વધી જાય છે. ખેડૂતોએ 45 વીઘા જમીનમાં વાવેતર કર્યું છે, જેમાંથી રોગને કારણે ખૂબ જ ઓછું ઉત્પાદન થાય તેવો ભય સતાવી રહ્યો છે. એક તરફ વધારે વાવેતરના કારણે મગફળીનો ભાવ ઓછો હોવાની પૈસા આવી રહ્યો છે, તો બીજી બાજુ મુંડાના રોગને કારણે ઉત્પાદન પણ ઓછું થવાનો ચિંતા સતાવી રહી છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 25 ટકા વરસાદ, ખેડૂતોમાં ચિંતા

મુંડા મગફળી ઉપરાંત જામફળ, શેરડી, અન્ય ઘણાં તેલીબિયાં, કઠોળ અને શાકભાજીના પાકનાં મૂળ પર હુમલો કરવા માટે જાણીતા છે. સફેદ ધૈણના પુખ્ત કીટકો મુક્ત વિહારી અને ફકત ઇયળ નુકસાન કરે છે. નુકસાનને પગલે જામનગર જિલ્લાનાં ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે.