September 18, 2024

પુલ કે કોઝવે ન હોવાથી ખેડૂતો સહિત ગામલોકો પરેશાન, વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય!

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના ખાંભા-ગીરના દાઢીયાળી ગામથી ખાંભા જવાના જૂના રસ્તા પર વર્ષોથી પુલ કે કોઝવે ન હોવાથી ચોમાસામાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં છે.ગામના સામા કાંઠે 70 ખેડૂતોની વાડી-ખેતર તેમજ મંદિર અને ગામલોકોના પરિવાર રહેતા હોય ત્યારે વિદ્યાર્થીઓ હોય કે ખેડૂતો અને ગામલોકોને ધાતરવડી નદીના ધમમસતા પ્રવાહમાં જીવના જોખમે પસાર થવા મજબૂરી ઊભી થતી હોય છે.

ખાંભા ગામને જોડતો ધાતરવડી નદી પરનો પુલ ન હોવાના કારણે દર ચોમાસામાં દાઢીયારી ગામના સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુસીબતમાં મુકાય જાય છે અને ગામલોકો, વિદ્યાર્થીઓને ખાંભા જવા તેમજ ખેડૂતોને વાડી-ખેતર જવા અને મંદિર જવા આ એક જ રસ્તો છે અને ચોમાસામાં પૂરના પાણી આવી જવાથી ગામલોકો અને ખેડૂતોને 8થી 10 કિલોમીટર ફરી વાડી-ખેતરે અને ખાંભા જવું પડે છે. ત્યારે લોકોને જીવના જોખમે ધાતરવડી નદીમાંથી પસાર થવું પડે છે અને તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.

દાઢીયારી ગામના 70 જેટલા ખેડૂતો અને ગામના સામા કાંઠે છ પરિવારના બાળકો અભ્યાસ અર્થે આવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. વિદ્યાર્થીઓને બળદગાડામાં બેસીને ધાતરવડી નદી પાર કરી અભ્યાસ અર્થે જવું પડે છે અને તેમનો અભ્યાસ બગડતો હોય છે. તેમજ સામા કાંઠે આવેલા મંદિરમાં ગામલોકોને પૂજા-પાઠ કે દર્શન કરવા ચોમાસાના ચાર મહિના મંદિરે જઈ શકાતું નથી અને ખેડૂતો-વિદ્યાર્થી અને ગામલોકો જીવના જોખમે ધાતરવડી નદીના પ્રવાહમાં પસાર થવા મજબૂર બનતા હોય છે. અગાઉ આ ધાતરવડી નદીના પ્રવાહમાં અનેક પશુઓ અને ગામલોકો તણાયાં હોવાના બનાવ પણ બન્યા હતા.

સ્થાનિક ગામલોકો દ્વારા અનેકવાર ધારાસભ્ય અને સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્ય અને તંત્રને ધાતરવડી નદી પર પુલ બનાવવા રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. હવે ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયાં છે અને જીવના જોખમે નદીના પ્રવાહમાંથી પસાર થાય છે અને જીવના જોખમ ખેડે છે. ત્યારે કોઈ અકસ્માત કે પાણીના પ્રવાહમાં કોઈનો જીવ જાય તે પહેલાં પુલ અથવા કોઝવે બનાવવા માંગ ઉઠી છે.