January 20, 2025

ખો-ખો વર્લ્ડ કપમાં નેપાળને હરાવીને ભારતીય મહિલા ટીમનો ભવ્ય વિજય, ડાંગની ઓપિના ભિલારેનું શ્રેષ્ઠ પ્રદર્શન

ખો ખો વર્લ્ડ કપ 2025: ભારત ખો ખોની પ્રથમ વિશ્વ ચેમ્પિયન ટીમ બની છે. નવી દિલ્હીમાં 19 જાન્યુઆરી, રવિવારના રોજ રમાયેલી ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે નેપાળને એકતરફી રીતે 38 પોઈન્ટના મોટા માર્જીનથી આસાનીથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટુર્નામેન્ટની પ્રથમ મેચથી જ દરેક મેચમાં પ્રભુત્વ સાથે જીત મેળવી રહેલી ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં પણ નેપાળને 78-40ના સ્કોર સાથે હરાવીને ચેમ્પિયનશિપ પર કબજો કર્યો.

વિજેતા ટીમમાં સામેલ ઓપિના ભિલારે ડાંગનું નામ રોશન કર્યું
ખો ખોની વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે. વિજેતા ટીમમાં સામેલ ડાંગની ઓપિના ભિલારે ડાંગનું નામ રોશન કર્યું છે. ગુજરાતની એકમાત્ર ખેલાડી મહિલા ટીમમાં સિલેક્ટ થઈ હતી. ડાંગના અંતરિયાળ એવા નાનકડા ગામની ઓપીના ભિલારનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.

પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થયો હતો અને તેની પ્રથમ જ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામે 176 પોઇન્ટ મેળવીને મોટી જીત નોંધાવી હતી.  રવિવારે યોજાયેલી ફાઇનલ સાથે, ભારતીય ટીમે ટાઇટલ પર કબજો કર્યો હતો.

શરૂઆતથી જ ભારતનો દબદબો
આ મેચ ભારતીય ટીમ માટે કપરી મેચ માનવામાં આવી રહી હતી કારણ કે નેપાળની જેમ તે પણ એક મજબૂત ખો ખો ટીમ છે, પરંતુ ભારતીય મહિલાઓએ પહેલા જ ટર્નથી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ટર્ન-1માં ભારતીય ટીમે હુમલો કર્યો અને ડિફેન્સમાં નેપાળના ખેલાડીઓની ભૂલોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને મેચની શરૂઆત 34-0ની જંગી લીડ સાથે કરી. બીજા ટર્નમાં નેપાળનો આક્રમણ કરવાનો વારો આવ્યો અને આ ટીમે પોતાનું ખાતું પણ ખોલ્યું પરંતુ ભારતીય ડિફેન્ડરોએ તેને સરળતાથી પોઈન્ટ મેળવવા દીધા ન હતા. આમ, બીજા ટર્ન પછી સ્કોર 35-24 હતો.

ભારતની નિર્ણાયક લીડ
ત્રીજા ટર્નમાં ફરીથી ભારતે આક્રમણ કર્યો અને આ વખતે ટીમ ઈન્ડિયાએ નિર્ણાયક સ્થિતિમાં પોતાની લીડ મેળવી લીધી. જોકે આ વખતે શરૂઆત થોડી ધીમી રહી હતી, પરંતુ હાફ ટાઈમ બાદ ભારતીય ખેલાડીઓએ ગતિ વધારી અને સ્કોર સીધો 73-24 સુધી પહોંચાડ્યો. નેપાળ માટે અહીંથી પાછા ફરવું લગભગ અશક્ય બની ગયું હતું અને અંતે આવું જ થયું. નેપાળની ટીમે ટર્ન-4માં પણ વધુ પોઈન્ટ મેળવી શકી ન હતી અને ભારતે 78-40ની સ્કોરલાઈન સાથે મોટા માર્જીનથી મેચ જીતી લીધી હતી.