November 24, 2024

કુઆલાલંપુરમાં 26 ફૂટ ઊંડા ભૂવામાં ખાબકી ભારતીય મહિલા, 5 દિવસ થવા છતાં લાપતા

Kuala Lumpur: મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં એક ભારતીય મહિલા 26 ફૂટ ઊંડા સિંકહોલ (ભૂવા)માં ખાબકી ગઈ હતી. ઘટના બાદ મહિલાને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ પાંચ દિવસ બાદ પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો નથી. મહિલાની ઓળખ 48 વર્ષીય વિજયા લક્ષ્મી ગલી તરીકે થઈ છે, જે આંધ્રપ્રદેશની નિવાસી છે. 23 ઓગસ્ટના રોજ કુઆલાલંપુરના જાલાન મસ્જિદ ઈન્ડિયા વિસ્તારમાં જમીન ધસી પડતાં મહિલા અચાનક ઊંડા ભૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટના સમયે મહિલાના પરિવારના અન્ય સભ્યો નજીકમાં હાજર હતા, પરંતુ આ દુર્ઘટના એટલી ઝડપથી બની કે કોઈ તેની મદદ ન કરી શક્યું.

5 દિવસ બાદ પણ નથી લાવ્યો મહિલાનો પત્તો
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહેલા કર્મચારીઓએ જાલાન મસ્જિદ ઈન્ડિયાના તમામ 6 મેનહોલ અને પંતાઈ દાલમમાં ગટરના તળાવમાં તપાસ કરી છે, પરંતુ મહિલાનો કોઈ પત્તો મળ્યો નથી. છેલ્લા 80 કલાકથી વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અધિકારીઓ સિંકહોલને અવરોધતા કાટમાળને દૂર કરવા માટે હાઇ પ્રેશર વાળી સિવર ડ્રેઇન જેટર (ગટર ડ્રેઇન જેટર) મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે. આ કામગીરી દુર્ઘટના સ્થળથી 69 મીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલી છે. જો કે, બચાવ કાર્યકરોને ડર છે કે જમીનની નીચે પાણીનું હાઇ પ્રેશર મહિલા સિંકહોલથી દૂર વહાવી લઈ ગઈ હશે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
વિજયા લક્ષ્મીના સિંકહોલમાં ખાબકી જવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે એક મોટા સિંકહોલમાં પડી જાય છે ત્યારે ત્યાં હાજર અન્ય લોકો પણ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, પરંતુ તે પોતાની જાતને બચાવવામાં સફળ રહે છે. જો કે, વિજયા એટલી નસીબદાર ન હતી અને તે તરત જ ખાડામાં પડી જાય છે. વીડિયોમાં સિંકહોલનું કદ અને તેને શોધવાનો પ્રયાસ કરી રહેલી શોધ અને બચાવ ટીમના ફૂટેજ પણ દર્શાવવામાં આવ્યા છે.