July 2, 2024

વલસાડ શહેરમાં એક કલાકમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા

Heavy Rainfall in Valsad: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યના 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ દરમિયાન 28 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે તો સૌથી વધુ ઉમરગામ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યાં જ વલસાડ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ પલસાણા, જલાલપોર, નવસારી અને વાપીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

વલસાડ શહેરમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અહીં શહેરમાં એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વહેલી સવારે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના એમ.જી.રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર, છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ બાદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ હતી. શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે પાણી ભરાયા હોવાથી લોકોએ નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

બીજી તરફ ગોરવાળા ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પોલ ધરાશાયી થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. ત્યાં જ વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ બંધ થયો હતો.