July 4, 2024

અમદાવાદમાં ચોરીનો માલ સંતાડવા હાઈટેક ચોરે ઓફિસ ભાડે રાખી

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક ઘરફોડ ચોરે ચોરી કરવા માટે ઓફિસ ભાડે રાખી હતી. મણિનગર પોલીસે આ હાઈટેક ચોરની ધરપકડ કરી છે. ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા આરોપી ઘરફોડ ચોર બન્યો હોવાની માહિતી સામે આવી છે. ચાર મહિનામાં ઘરફોડ ચોરે અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના મણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ફ્લેટમાં કબાટમાં રાખેલા લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 11.80 લાખનાં મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નિકોલ વિસ્તારમાં રહેતા પરેશ સોનીની ધરપકડ કરી છે. પોલીસે પરેશ સોનીની પૂછપરછ કરતા તેણે થોડા દિવસ અગાઉ ફ્લેટમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પરેશ સોનીની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના, કપલ વોચ, વિદેશી ચલણી નાણું, મોબાઈલ ફોન, ઈમીટેશન જ્વેલરી, અલગ-અલગ કંપનીના લેપટોપ, ચોરી કરવાના સાધનો, ચોરી કરેલું એકટીવા સહિત સાત લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસે આરોપી પરેશ સોનીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી પરેશ વસ્ત્રાલ વિસ્તારમાં માતા-પિતા અને પત્ની સાથે રહે છે અને છેલ્લા ચાર મહિનામાં મણીનગર, વટવા, નવરંગપુરા, શાહપુર, રામોલ, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાંથી અલગ-અલગ 12 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં લાંછનરૂપ ઘટના, પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પરેશ સોનીને ક્રિકેટ સટ્ટામાં 15 લાખ જેટલું દેવું થઈ ગયું હતું અને તેની પાસે કોઈ કામ ધંધો હતો નહીં. પોતાના પરિવારનું ગુજરાન પોતાના ઉપર જ ચાલતું હતું, જેથી તેણે શરૂઆતમાં એક મોટરસાયકલની ચોરી કરી હતી, જે મોટરસાયકલ દ્વારા તે રેપીડો સર્વિસમાં પેસેન્જરના ભાડા કરતો હતો. એક દિવસ તે પેસેન્જરને મુકવા જતો હતો ત્યારે બંધ મકાન જોયું હતું અને આજુબાજુ કોઈ નહીં હોવાથી મકાનમાં ચોરી કરવાનું તેણે નક્કી કર્યું હતું. જે બાદ તેને ચોરીના કામમાં ફાવટ આવી જતા તે બંધ મકાનને ટાર્ગેટ કરતો અને લોક તથા નકુચાઓ તોડી ચોરીઓને અંજામ આપતો હતો. આરોપીએ ચોરી કરેલો માલ ઓગાળવા માટેનાં સાધનો, ચોરી કરવા માટેના સાધનો, ચોરી કરેલો મુદ્દામાલ રાખવા માટે ખાસ એક વ્યવસ્થા રાખી હતી. જેમાં તેણે ઓઢવ વિસ્તારમાં એક ઓફિસ પણ ભાડે રાખી હતી ત્યાં તમામ માલ સામગ્રીઓ રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

હાલ તો મણિનગર પોલીસે આરોપી પરેશ સોનીની ધરપકડ કરી 12 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી સાત લાખથી વધુનું મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી પરેશ 12 ચોરી સિવાય અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો ચોરીને અંજામ આપવા અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.