July 2, 2024

આગામી 3 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ જોઈએ તેવો વરસાદ નથી પડ્યો ત્યારે હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આગામી 3 કલાકમાં વીજળી કડાકા ભડાકા સાથે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે કરી છે.

ગાંધીનગરમાં આગામી 3 કલાકમાં વીજળી કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાં જ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. ત્યાં જ આ દરમિયાન 40 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફુકાઇ શકે છે. નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી છે સાથે જ દ્વારકા, બોટાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આઈકોનિક સ્ટાર હિતુ કનોડિયાનું બોલિવૂડમાં થશે ડેબ્યુ

ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 192 તાલુકામાં મેઘરાજાની મહેર થઇ છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં પણ સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યાં જ વલસાડના ઉમરગામ, સુરતના કામરેજ અને આણંદ શહેરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માળિયા હાટીના અને મેંદરડામાં 2 ઈંચ વરસાદ, આણંદના બોરસદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જોકે આ દરમિયાન રાજ્યના 12 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ સુરતમાં આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવનને અસર પહોંચી છે. ત્યાં જ આજે વહેલી સવારથી દોધમાર વરસાદ વરસવાના કારણે ગાર્ડનમાં કસરત કરવા જતા લોકો અને કામ ધંધે જતા લોકો વરસાદના કારણે અટવાયા હતા.