June 30, 2024

હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગઇકાલથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આજે પણ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદી માહોલ છવાતા ગુજરાતીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.

હવામાન વિભાગે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદર નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક તરફ વરસાદી માહોલ છવાતા ગુજરાતીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ, વરસાદને કારણે કેટલાક ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે. તેમના ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે.

ગઇકાલે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. સૌથી વધારે છોટાઉદેપુરના કવાંટમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો નવસારીના ચીખલીમાં 1 ઇંચ વરસાદ, અરવલ્લીના મોડાસામાં અડધો ઇંચ વરસાદ અને સાબરકાંઠાના હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બાજરી પકવતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.