August 27, 2024

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનમાં કરશે જોબ, બે દેશ વચ્ચે થશે મહત્વનાં કરાર

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં આજે જાપાનીઝ ડેલિગેશને આજે મુલાકાત લીધી હતી. 11 લોકોનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં ડેલિગેશન દ્વારા અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત છે કે, આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનમાં જોબ કરી શકશે અને તે માટે આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી અને જાપાન સાથે એમઓયુ કરવામાં આવશે.

જાપાનનાં 11 સભ્યોના ડેલિગેશન 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. તે અંતર્ગત તેઓ AMC, ગિફ્ટ સિટી અને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેવાના છે. આજે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન કુલપતિ, રજિસ્ટ્રાર અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જાપાનના ગવર્નર સાથે ડેલિગેશન ફરીથી મુલાકાત લેશે જેમાં MOU કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે

ન્યૂઝ કેપિટલ સાથીની વાતચીતમાં યુનિર્વિસટીનાં કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘આજે મુખ્ય બે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં જાપાનની કંપની જોબ ફેર કરશે. તેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાપાનમાં જોબ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત જાપાનની શિઝોકે યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવશે. ડિસેમ્બરમાં ફરીથી ડેલિગેશન આવશે ત્યારે MOU કરવામાં આવશે. બંને દેશોમાં MOUથી વિદ્યાથીઓને ફાયદો થશે. કારણ કે, તેમને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરવાનો મોકો મળશે.’