July 5, 2024

સિંહોને ગરમી ન લાગે તે માટે ગીરમાં ખાસ સુવિધા, વનવિભાગે કર્યું આ આયોજન

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં અસહ્ય કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહ સહિત વન્યપ્રાણીઓને ગરમી રાહત મળે માટે થઈને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ધારી-આંબરડી સફારી પાર્કમાં સિંહો સહિત વન્યપ્રાણીઓ ગરમીથી ટાઢક આપવા માટે વનવિભાગે આયોજન કર્યું છે.

અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા આંબરડી સફારી પાર્ક 365 હેક્ટરમાં ફેલાયેલું છે અને અહીં સિંહ દર્શનાર્થીઓ અને પર્યટકોનો ખાસ્સો ધસારો રહે છે. હાલ વેકેશનનો સમય અને ઉનાળાનો સમય ત્યારે હાલમાં અમરેલી જિલ્લા સહિત ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. ત્યારે આંબરડી સફારી પાર્કમાં સિહો સહિત વન્યપ્રાણીઓને ખાસ સુવિધાઓ ઉભી કરી છે અને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા અહીં સિંહદર્શન માટે સિંહ દર્શનાર્થીને માટે પણ ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ધારી-ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ પ્રવાસીઓ અને ટુરિસ્ટની અવરજવર રહે છે. ત્યારે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. સિંહો સહિત વન્યપ્રાણીઓ માટે ઉનાળામાં પીવાના પાણી માટે કોઈ તકલીફ ન પડે માટે થઈ 12થી વધારે પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જે પાણીના પોઇન્ટ સોલાર, પવનચક્કી અને ટેન્કરથી પાણી ભરવામાં આવે છે. આ પાણીમાં વિટામિન, મિનરલ્સ નાખવામાં આવે છે. જેથી વન્ય પ્રાણીઓને ગરમીથી રાહત મળતી હોય છે. તેમજ સિંહ અને સિંહના પિંજરામાં ફોગસ છે, એરકૂલર મૂકવામાં આવ્યા છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ઉનાળામાં બપોરના સમયે સિંહ સહિત વન્યપ્રાણીઓને ગરમીઓમાં રાહત મળે છે.