July 1, 2024

ગીર-ગઢડામાં આવેલા ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીને બ્રેઇન વોશ કરવાનો આક્ષેપ

ગીર-ગઢડાઃ માતા-પિતા બાળકોને સારું શિક્ષણ મેળવવા અને ઉજળું ભવિષ્ય બનાવવા માટે ગુરૂકુળ કે હોસ્ટેલમાં અભ્યાસ અર્થે મોકલતા હોય છે. જેમાં બાળક અભ્યાસ કરે અને આગળ વધે. પરંતુ તેમાં અમુક લોકો એવા પણ હોય છે જે બાળકોને અવળા માર્ગે ચડાવતા હોય છે. તેવો જ એક કિસ્સો ગીર-ગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામે બનવા પામ્યો છે. ગીર-ગઢડા તાલુકાના વડલી ગામે રહેતા અશોકભાઈ શિંગાળાનો પુત્ર મોટા સમઢીયાળા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 8માં અભ્યાસ અર્થે મૂક્યો હતો. ત્યારે આ ગુરુકુળમાં બાળક સ્વામીના સંપર્કમાં આવતા ભણવાની જગ્યાએ સ્વામી બનવાની ઈચ્છા ધરાવવા માંડ્યો હતો. કારણ કે, અહીંયા રહેતા જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનવાની પ્રેરણા આપતા અને આ નાના વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરવાનું શરુ કર્યું હતું.

આ વિદ્યાર્થીએ ધોરણ 8થી 10 સુધી ત્રણ વર્ષ અભ્યાસ કર્યો ત્યાં સુધી બાળકે ઘરની મોહમાયા મૂકી દીધી હતી અને ગુરુકુળથી પિતા ઘરે લઈ જાય તો બાળક ગુરુકુળ જવાની જીદ પકડતો હતો. પિતા ગુરુકુળ જવાની ના પાડે તો ખાવા પીવાનું છોડી દઈ અને એક રૂમમાં પુરાઇને રહેતો અને બાળક સતત મોબાઇલથી સ્વામી જનાર્દન સાથે વાત કરતો હતો. જેની જાણ પિતાને થતાં અશોકભાઈ શિંગાળાએ પુત્ર અને જનાર્દન સ્વામીની વાતનું રેકોર્ડિંગ સાંભળવા એક એપનો ઉપયોગ કરતા જનાર્દન સ્વામી અને વિદ્યાર્થીની વાતોના સંવાદો મળી આવતા સમગ્ર ભાંડો ફૂટતા વિદ્યાર્થીના પિતા પણ ચોંકી ગયા હતા.

આ પણ વાંચોઃ નર્મદાના ખેડૂતો માટે આફત, કેરી-પપૈયા સહિત કેળાનો પાક નષ્ટ થયો

યુવકના પિતા અશોકભાઈ શિંગાળાએ વધુમાં જણાવાયું હતું કે, ગુરૂકુળમાં અભ્યાસ કરતો મારા પુત્રને જનાર્દન સ્વામી એ કહ્યું હતું કે, આખી વાત કોઈને કહીશ નહીં, જો કહીશ તો તમારી અને ગુરુકુળની બદનામી થશે. ત્યારબાદ વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શિંગાળાને શંકા ગઈ કે તેમનો પુત્ર આવું વર્તન શા માટે કરે છે. તપાસ કરતા ખબર પડી કે, જનાર્દન સ્વામીએ તેનું બ્રેઇન વોશ કર્યું હતું. પુત્રની નોટમાંથી મળેલા લખાણ પરથી પકડાયું કે, તેને પરિવાર વિરુદ્ધ ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા આપી હતી. એક નોટના પાનામાં તો એવું લખ્યું હતું કે, ‘આપણી લગામ પપ્પાના હાથમાં હોય છે. તેમાંથી છૂટવું હોય તો એના હાથ કાપી નાંખવા પડે.’ આ બધુ વાંચીને વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શિંગાળા ચોંકી ગયા હતા. પુત્ર ગુરુકુળમાં પાછા જવાની જીદ પકડીને બેસતો હતો.

સ્વામીજીના રેકોર્ડિંગ પરથી એવું પણ સાંભળવા મળ્યું હતું કે, ‘અહીં નાઇટ મેચ રમવાની મજા આવેને?’ આ નાઈટ મેચ રમવાનો અર્થ શું છે તે તો જનાર્દન સ્વામી અને વિદ્યાર્થી બંને જ જાણે. હાલ જનાર્દન સ્વામી ગુરુકુળમાં હાજર નથી. ગુરુકુળના સંચાલક દ્વારા બહારગામ ગયા હોવાનું જણાવી અને જનાર્દન સ્વામીને બચાવવામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ બાબત હોય તેવી શંકાની સોય જણાય છે.