March 15, 2025

આડાસંબંધની શંકા રાખીને ભોજનમાં ઘેનની ગોળીઓ નાંખી, બે મિત્રોને કેનાલમાં ફેંક્યા; ત્રણ આરોપીની ધરપકડ

ગાંધીનગરઃ કલોલ તાલુકા પોલીસ સ્ટેશને 11મી માર્ચે દશરથજી સોમાજી ઠાકોરની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા તેમનું મર્ડર થયા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આવો જાણીએ સમગ્ર કિસ્સો…

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાપર બસ સ્ટેન્ડ પાસે ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં પૈસાની ગણતરી કરતા મળી આવ્યા હતા. ત્યારે ત્રણેયની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.

1. ભરતજી જેમતુજી ઠાકોર ઉ.વ ૨૮ રહે. ખારારોડ, ખડોસણ ગામ તા.ભાભરજી.બનાસકાંઠા
2. મેઘરાજ ઉર્ફે મેઘો ઉર્ફે રાજરૂઘનાથજી ઠાકોર ઉ.વ ૨૩ રહે.જીરો પોઇન્ટ કેનાલની બાજુમાં, તેરવાડા ગામ તા.કાંકરેજ જી.બનાસકાંઠા
3. પ્રકાશ વશરામ ઠાકોર ઉ.વ.૧૯ રહે.જીરો પોઇન્ટ કેનાલની બાજુમાં, તેરવાડા ગામ, તા.કાંકરેજ જી.બનાસકાંઠા

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભરતજીના પત્ની પૂનમબેન અને મૃતક દશરથજી સોમાજી ઠાકોર વચ્ચે આડાસંબંધ હોવાની આશંકા હતા. તેથી ભરતજીએ મૃતક દશરથજી પાસેથી અવારનવાર રોકડમાં અને ઓનલાઈન પેસા મેળવી હુન્ડાઇ વર્ના મૃતક દીકરા રમેશજીના નામે ખરીદી કરાવી હતી. ત્યારબાદ ભરતજીએ ગાડીનો ઉપયોગ કરી અને પૂનમબેન તથા મૃતક દશરથજી વચ્ચેના આડાસંબંધોનો અંત લાવવા અને દશરથજીને મારી નાંખવાના ઇરાદે ભાભરમાં 10મી માર્ચે 9 વાગે સાડીની દુકાને બોલાવ્યા હતા.

ત્યારબાદ જમવા માટે પાર્સલ લાવ્યા હતા અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી તેમાં ઘેનની ગોળીઓનો ભૂક્કો ભેળવી દીધો હતો. આ જમવાનું દશરથજી તથા તેમના મિત્ર ગિરીશજીને ખવડાવી મારી નાંખવાના ઇરાદે ભાભરથી મૃતક દશરથજીની સ્વિફ્ટ ગાડીમાં દશરથજી તથા ગીરીશજીને બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી ભરતજીએ સ્વિફ્ટ ગાડી ચલાવી અને આરોપી મેઘરાજ ઉર્ફે મેઘો ઉર્ફે રાજ ઠાકોર તથા પ્રકાશ વશરામ ઠાકોરે સ્વિફ્ટ ગાડીની પાછળ હુન્ડાઇ વર્ના ગાડી લઈને ગયા હતા.

ત્યારબાદ 11મી માર્ચે સવારના 5 વાગ્યા આસપાસ શેરીસા બહુચરપુરા કેનાલ ખાતે બ્રિજ ઉપર આવી ત્રણેય આરોપીઓએ ભેગા મળી મૃતક દશરથજી તથા ગીરીશજી બંનેને બેહોશીની હાલતમાં ગાડીમાંથી બહાર કાઢી મર્ડર કરવાના ઇરાદે ઉંચા કરી નર્મદાની મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ મૃતક દશરથજીની સ્વિફ્ટ ગાડી શેરીસા નર્મદા કેનાલના બ્રિજથી શેરીસા ગામ તરફ જતા ઢાળ નજીક મૂકી લોક કરી ત્રણેય જણાં હુન્ડાઇ ગાડીમાં બેસી નાસી ગયા હતા. આ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.