ઇતિહાસમાં પ્રથમવાર SC અને ST સમુદાયોના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: સંત સમાજના ઇતિહાસમાં પ્રથમવાર એસસી અને એસટી સમુદાયોના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામા આવી હતી. રાજ્યના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી મહંત રવિન્દ્રપુરી મહારાજ અને મહંત હરિગીરી મહારાજ દ્વારા વિધીવિધાન અને મંત્રોચ્ચારથી પટ્ટાભિષેક કરાવવામા આવ્યો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સમર્થિત આ પહેલ 800 વર્ષમાં પ્રથમવાર કરવામા આવી.
અમદાવાદના શોલા ખાતે યોજાયેલ પટ્ટાભિશેકમાં મહંત દાસીજીવણની જગ્યા ઘોઘાવદરના શામળદાસજી ગૂરૂ મંગલદાસજી, અક્કલ સાહેબની સમાાધિ, થાનગઢના સંત કૃષ્ણવદનજી મહારાજ, કબીર મંદિર ગુરુ સમાધિ સ્થાન, રાજપરાના શામળદાસજી પ્રેમદાસજી અને વાલ્મીકિ અખાડા હનુમાન ગઢી ભાવનગરના કિરણદાસજી બાપુનો પટ્ટભિષેક કરતા હવે તેઓ મહામંડલેશ્વર કહેવાશે.
ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, ‘સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ’ વર્ષો જૂની પરંપરાઓમાં ક્રાંતિ લાવવા માટે આ પગલુ ભરવામા આવ્યુ હતુ. જેમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અને જનરલ સેક્રેટરી અખિલ ભારતીય અખાડા પરિષદ મહંત હરિગીરીજી મહારાજ દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટનું મહત્વ ભીમ રાવ આંબેડકર સાહેબ જેવા સમાજ સુધારકોના દૃષ્ટિકોણ તેમજ સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને જાળવી રાખવાના તેના પ્રયાસમાં રહેલું છે. મહંત શ્રી રવિન્દ્રપુરી મહારાજ જીની આગેવાની હેઠળ અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સમર્થિત આ પહેલ 800 વર્ષ જૂની પરંપરાને પડકાર આપીને સમાવિષ્ટતા અને સશક્તિકરણના નવા યુગની શરૂઆત કરે છે.
આ મામલે રાષ્ટ્રીય બૌધ્ધિક સલાહકાર રાજેશ શુક્લાએ જણાવ્યું હતું કે, સમાનતા તરફની અમારી સફરમાં પરિવર્તન લાવવા જઇ રહ્યાં છીએ સર્વસમાવેશકતા દ્વારા અમે બધા માટે એકીકૃત અને સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ મોકળો કરીશું.
‘સીધી બાત નો બકવાસ’ના તેના સૂત્ર દ્વારા, પ્રોજેક્ટનો હેતુ SC/ST સમુદાયોને સનાતન ધર્મના મુખ્ય પ્રવાહના સમાજમાં એકીકૃત કરીને સશક્તિકરણ કરવાનો છે. તેમજ ભેદભાવને નાબૂદ કરી સ્વીકૃતિને વેગ આપી સનાતન ધર્મ અને ભારતવર્ષ બંનેના માળખા મજબૂત બનાવીને સદીઓથી ચાલતા શોષણ અને વિભાજનનો અંત લાવવા ઈચ્છે છે.
અમદાવાદ બાદ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ સહિતના અન્ય રાજ્યોમાં તેની પહોંચ વિસ્તારવાની યોજના છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સાથે જોડાઈને અને તેમને હિંદુ વર્ગમાં પુનઃ એકીકૃત કરીને, આ પહેલ રાષ્ટ્રની પ્રગતિ માટે તેમની સંભવિતતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામા આવશે.