November 22, 2024

પ્રસાદ અપવિત્ર: તિરુપતિ મંદિરના પ્રસાદમાં માછલીના તેલના સેમ્પલ મળ્યા…!

Tirupati Prasad: તિરુપતિ મંદિરના પ્રસાદમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિર પર ઘીના બદલે પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાનું કહેવાય છે. બુધવારે સીએમએ પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર આરોપ લગાવ્યો હતો કે જગન રાજ દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબી ભેળવવામાં આવતી હતી.

એક કાર્યક્રમ દરમિયાન નાયડુએ કહ્યું હતું કે પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબી અને નબળી ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અમે ખાતરી કરી છે કે પ્રસાદમાં ચોખ્ખુ ઘી, સ્વચ્છતા અને સારી ગુણવત્તાને ધ્યાનમાં રાખવામાં આવે.

જગન મોહન રેડ્ડીનો વળતો પ્રહાર
સીએમ નાયડુના આ નિવેદન પર જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPએ પણ પ્રતિક્રિયા આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને નુકસાન પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદ પર ચંદ્રાબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ખૂબ જ ખરાબ છે. મનુષ્ય તરીકે જન્મેલ કોઈ પણ વ્યક્તિ આવા શબ્દો બોલતો નથી કે આવા આક્ષેપો કરતો નથી. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ચંદ્રાબાબુ રાજનીતિ ખાતર કંઈ પણ ખોટું કરતાં ખચકાશે નહીં. રેડ્ડીએ કહ્યું કે ભક્તોની શ્રદ્ધા મજબૂત કરવા હું અને મારો પરિવાર તિરુમાલા પ્રસાદના મામલામાં શપથ લેવા તૈયાર છીએ. શું ચંદ્રાબાબુ પણ પરિવાર સાથે શપથ લેવા તૈયાર છે?

હલકી કક્ષાની સામગ્રીથી લાડુ બનાવવાનો આરોપ
નોંધનીય છે કે, તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં તિરુપતિ લાડુ ચઢાવવામાં આવે છે, જેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) કરે છે. એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા સીએમ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુમાલા લાડુ પણ હલકી ગુણવત્તાવાળા ઘટકોમાંથી બનાવવામાં આવતું હતું, ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરની દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી છે, જેનાથી ગુણવત્તામાં સુધારો થયો છે.