September 17, 2024
ક્રાઉડફંડિંગના નામે ગોરખધંધો!
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

ભારતીય સંસ્કૃતિમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે. ભારતીય સમાજના તાણાવાણામાં કરુણા વણાયેલી છે. આ જ કરુણાભાવ એક પોપ્યુલર એક્ટર, ક્રિકેટર, શાકભાજી વેચનારાઓ અને બીજા અનેક સામાન્ય લોકોને સાથે લાવ્યો.

રાજસ્થાનના 22 મહિનાના એક બાળક માટે આ કરુણાભાવ જાગ્યો હતો. આ બાળકનું નામ છે હૃદયાંશ શર્મા. તે રાજસ્થાન પોલીસના સબ-ઇન્સ્પેક્ટર નરેશ શર્માનો દીકરો છે. તેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામનો એક દુર્લભ જીનેટિક ડિસઓર્ડર થયો. જેમાં તે તેના શરીરનો કમરથી નીચેનો આખો ભાગ લગભગ ગુમાવે એવો ખતરો હતો. તે સામાન્ય જીવન જીવી શકે એના માટે 17.5 કરોડ રૂપિયાની કિંમતના ઇન્જેક્શનની જરૂર પડી હતી.

હૃદયાંશ 20 મહિનાનો હતો ત્યારે રાજસ્થાન પોલીસે ક્રાઉડફંડિંગ કેમ્પેઇન શરૂ કર્યું હતું. તમારામાંથી કેટલાક લોકોને સ્વાભાવિક રીતે સવાલ થાય કે, ક્રાઉડફંડિંગ એટલે શું? ક્રાઉડફંડિંગ વાસ્તવમાં ક્રાઉડ અને ફંડિંગ એમ બે શબ્દો જોડાઈને રચાયો છે. ક્રાઉડ એટલે કે, ઘણા બધા લોકો અને ફંડિંગ એટલે કે, ભંડોળ. માની લો કે, કોઈની સ્થિતિ ખરાબ છે, કોઈ મુશ્કેલીમાં મુકાયું છે. જેમ હૃદયાંશના માતા-પિતાને 17.5 કરોડ રૂપિયાની જરૂર પડી હતી. આવી સ્થિતિમાં લોકો પાસેથી મદદ માગવામાં આવે અને એના થકી મળનારી મદદને ક્રાઉડફંડિંગ કહેવામાં આવે છે. એટલે કે, લોકો પાસેથી મેળવવામાં આવેલા રૂપિયા. તમે વિચારતા હશો કે, ગામડાંમાં ઘણા સમયથી એમ થઈ રહ્યું છે, એમાં નવું શું છે? સોશિયલ મીડિયાના જમાનામાં ક્રાઉડફંડિંગની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

હૃદયાંશ માટે ક્રાઉડફંડિંગ શરૂ કરાયું. જોકે, આ કેસમાં રાજસ્થાન પોલીસની પાસે સમય ખાસ્સો ઓછો હતો. એનું કારણ એ હતું કે, આ મોંઘુંદાટ ઇન્જેક્શન માત્ર બે વર્ષ સુધીનાં બાળકને જ આપી શકાય. આ અભિયાનને ક્રિકેટર દીપક ચહર અને અભિનેતા સોનુ સૂદે સપોર્ટ આપ્યો હતો. ચહર અને સોનુએ સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. ધીરેધીરે શાકભાજી વેચનારાઓ, દુકાનદારો, જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અને જુદા-જુદા સમાજના લોકો આર્થિક મદદ કરવા લાગ્યા. 9 કરોડ રૂપિયા મેળવાયા અને હૃદયાંશને આખરે જયપુરની હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું.

આ રીતે ક્રાઉડફંડિંગથી હૃદયાંશ જેવાં અનેક બાળકોને નવું જીવન મળ્યું છે. એટલે જ ક્રાઉડફંડિંગ જરૂરિયાતમંદ લોકો માટે રામબાણ છે. ક્રાઉડફંડિંગ સામાન્ય રીતે દાનવીરો અને જરૂરિયાતમંદોને એકસાથે લાવે છે. આ ડિજિટલ ઇનોવેશન એક રીતે ખૂબ જ ઉપયોગી છે. જોકે, લગભગ દરેક ડિજિટલ ઇનોવેશનનો ઠગબાજો દ્વારા દુરુપયોગ થાય છે એ જ રીતે ક્રાઉડફંડિંગનો પણ દુરુપયોગ થાય છે. આ ઠગબાજોએ લોકોના દયાળુ સ્વભાવનો ગેરલાભ ઉઠાવવાની કોશિશ કરી છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી જુદી-જુદી વેબસાઇટ્સ પર તમને દાનની માગણી કરતી જાહેરાતો જોવા મળતી હશે. આ જાહેરાતમાં એક મા કે પિતાની સાથે તદ્દન બીમાર લાગતા બાળકની તસવીર મૂકવામાં આવી હોય છે. આ જાહેરાતમાં લખવામાં આવ્યું હોય છે કે, આ બાળકને કેન્સર કે હૃદયની બીમારી છે. એટલે 20 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની જરૂર છે. હવે, આ જાહેરાત સાચી છે કે, ઠગબાજોની જાળ છે એનો કેવી રીતે ખ્યાલ આવી શકે?

ભારતમાં ફેસબુક, યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામનો મુખ્ય હેતુ તો સોશિયલ નેટવર્કિંગનો છે. એટલે કે, લોકોને એકબીજાની સાથે જોડવાનો છે. સામાન્ય રીતે ક્રાઉડફંડિંગ કરવા માટે એનો ઉપયોગ ના કરી શકાય. એટલે જ ફેસબુક કે યુટ્યૂબ કે ઇન્સ્ટાગ્રામ પર ચેરિટી માટે આપવામાં આવતી મોટા ભાગની જાહેરાત ફેક હોય શકે છે. હવે, સવાલ એ છે કે, જો તમારે દાન આપવું છે કે પછી કોઈ વ્યક્તિને ખરેખર જરૂર હોય તો એણે કયા પ્લેટફોર્મ કે વેબસાઇટ પર જવું જોઈએ?

ભારતમાં અનેક ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ છે. જેમ કે, મિલાપ, ઇમ્પેક્ટ ગુરુ અને કીટો. આવાં પ્લેટફોર્મ્સનો પણ દુરુપયોગ કરવાનો ઠગબાજો પ્રયાસ કરતા રહે છે. જોકે, તેમનાથી બચવા માટે આવા પ્લેટફોર્મ્સ સુરક્ષા માટે અનેક ઉપાયો અજમાવે છે. એકંદરે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને લોકતાંત્રિક અને પારદર્શક બનાવે છે. જેથી ખરા લોકોને જ ભંડોળ મળી શકે. આ પ્લેટફોર્મ્સ મેડિકલ ડોક્યુમેન્ટ્સ અને બિલ્સને વેરિફાય કરે છે. તેઓ કટોકટીમાં મુકાયેલા પરિવારના બીમાર વ્યક્તિના મેડિકલનો ખર્ચ, જમવાનો અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપે છે. વ્યક્તિએ હૉસ્પિટલ્સના બિલ્સ રજૂ કરવાના અને એની સામે આ પ્લેટફોર્મ્સ ભંડોળ આપી દે છે.

હવે, માની લો કે, આ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ પર તમે કોઈ વ્યક્તિને સહાય કરો છો. તમને કેવી રીતે ખ્યાલ આવે કે, તમારી મહેનતના રૂપિયા યોગ્ય વ્યક્તિની પાસે પહોંચ્યા છે કે નહીં. આ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ દાનવીરોને રેગ્યુલર અપડેટ આપતા રહે છે. એટલે કે, તેમના રૂપિયાથી કોને સહાય આપવામાં આવી છે. એના મેડિકલ દસ્તાવેજો પણ દાનવીરોને આપે છે. જેથી તેમને ખાતરી થાય.

આટલી વાત સાંભળીને તમને કદાચ સવાલ થાય કે, આ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સને શું ફાયદો? તેઓ કેવી રીતે પોતાનો ખર્ચ નીભાવે છે? મોટા ભાગનાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ પારદર્શક હોય છે. એમના નક્કી કરાયેલા દરો હોય છે. લાભાર્થીઓને જે દાન મળ્યું હોય એમાંથી સામાન્ય ફી અને થોડીક ટકાવારીનો ચાર્જ લેવામાં આવે છે.

લોકોની ભલાઈ માટેના આવાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સનો પણ દુરુપયોગ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ્સ તો ઠગબાજોને ઓળખવા અને તેમની સામે પગલાં લેવા માટે કામ કરે જ છે. લોકો પણ એમાં યોગદાન આપે છે. માની લો કે, કોઈ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર કોઈ જાહેરાત તમને ફ્રોડ લાગે તો તમે એના વિશે આ પ્લેટફોર્મને જણાવી શકો છો. જેનાથી દાનવીરોના રૂપિયા ખોટા હાથોમાં પહોંચતા અટકે છે. કેટલાક કેસીસમાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સની વેબસાઇટ પર પણ છેતરામણી જાહેરાત આપવામાં આવે છે. કેટલાક ઠગબાજો જેન્યુઇન પ્લેટફોર્મ્સને મળતાં આવતાં નામ અપનાવે છે. એને ક્લોન ફર્મ્સ કહેવામાં આવે છે. કેટલાક કેસીસમાં તો એમ પણ જોવા મળ્યું છે કે, ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સના અમુક સ્ટાફ મેમ્બર્સ જરૂરિયાતમંદોને મદદ કરવાના બદલે પોતાના માટે ફંડનો ઉપયોગ કરે છે.

કોરોનાની મહામારીમાં આપણા દેશમાં ક્રાઉડફંડિંગનું પ્રમાણ વધ્યું. જેના લીધે અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ મળી છે. સાથે જ ક્રાઉડફંડિંગથી ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. કોરોના કાળમાં લોકોએ લાચારી જોઈ છે. આ મહામારીમાં કેવી રીતે પરિવારો તૂટી પડ્યા હતા એનો લોકોને ખ્યાલ આવ્યો હતો. ક્રિકેટર અને એક્ટર્સ સહિત અનેક સેલિબ્રિટીઝ પણ લોકોને મદદ કરવા માટે આગળ આવી હતી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ કિટો પર ફંડરેઇઝિંગ કેમ્પેઇન શરૂ કર્યું હતું. તેમણે કોરોનાની મહામારીમાં લોકોને મદદ કરવા માટે સાત કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં અનુષ્કા અને વિરાટ તરફથી બે કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હતું.

આ રીતે અનેક લોકોને મદદ પણ મળી હતી. જોકે, આ રીતે આપવામાં આવતા ફંડનો દુરુપયોગ પણ કરવામાં આવે છે. અમે તમને ક્રાઉડફંડિંગના નામે મોટા પાયે કરવામાં આવેલા ગોરખધંધાની વાત કરીશું.

ગોરખધંધાની વાત આવે ત્યારે તીસ્તા સેતલવાડની સામે મુકાયેલા આરોપોની વાત કરવી જ રહી. તેણે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોના પીડિતોને મદદ કરવાના નામે ચારેકોરથી ભંડોળ એકઠું કર્યું. તેણે આ ભંડોળનો પીડિતો માટે નહીં પરંતુ પોતાના માટે જ ઉપયોગ કર્યો હતો. તેને વિદેશોમાંથી કરોડો રૂપિયાનું ફંડ મળ્યું હતું. જેનાથી મુંબઈની વાઇન શોપમાં પણ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. તીસ્તા સામે ગુલબર્ગ સોસાયટીના જ 12 રહીશોએ ભંડોળના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે, વિદેશોમાંથી તેમને મદદ કરવાના નામે તીસ્તાએ ભંડોળ મેળવ્યું. જોકે, તેમને તો કોઈ જ પ્રકારની મદદ કરવામાં આવી નથી. તીસ્તાએ આ ભંડોળનો ઉપયોગ કરીને પોતાના ક્રેડિટ કાર્ડનાં બિલ્સ પણ ચૂકવ્યા હતા. તેણે ક્રેડિટ કાર્ડથી પોતાના માટે જ્વેલરી અને દારૂ પણ ખરીદ્યો હતો. તીસ્તાની સંસ્થા ‘સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ’ ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદ કરવાનો દાવો કરતી હતી. જોકે રમખાણ પીડિતોએ એ સમયે તીસ્તા સામે ફરિયાદ કરી હતી કે પીડિતોને મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ પોતાના માટે જ ઉડાવ્યા હતા.

તીસ્તાની જેમ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની સામે પણ ગોરખધંધાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાકેતે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ અવર ડેમોક્રેસી દ્વારા 1700થી વધુ લોકો પાસેથી રૂપિયા એકત્ર કર્યા હતા. જેનો ઉપયોગ લોકોને કાયદાકીય મદદ કરવા, પત્રકારોને મદદ કરવા તેમજ લોકોના ભલાઈનાં બીજા કામો માટે કરવાનો હતો. જોકે, એકત્ર કરાયેલા ભંડોળમાં ગોટાળો થયો. જેની ફરિયાદ અમદાવાદમાં કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે 29મી ડિસેમ્બર, 2022ના દિવસે દિલ્હીમાં સાકેતની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી 2023માં ગુજરાત હાઈ કોર્ટે સાકેતની જામીન અરજી ફગાવી દીધી હતી. જેના પછી સાકેતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. EDએ પણ સાકેતની વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. EDએ ચાર્જશીટ રજૂ કરી હતી. EDએ આરોપ મૂક્યો હતો કે, સાકેતે ઇનકમ ટેક્સ રિટર્નમાં જેટલી કમાણીનો ખુલાસો કર્યો છે, એનાથી અનેક ગણા રૂપિયા તેમના બેંક ખાતામાં આવ્યા છે. જેનો ઉપયોગ સાકેતે અંગત કામો માટે કર્યો છે.

આ રીતે અનેક લોકો દાન પર પણ દાનત બગાડતા હોય છે. આવું જ એક ખોટું કેમ્પેઇન એક ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર ચલાવવામાં આવ્યું હતું. એક મહિલા અને બાળકનો ફોટો અને વિડિયો મૂકવામાં આવ્યો હતો. બાળકને બ્લડ કેન્સર હોવાનો દાવો કરાયો હતો. જેના માટે 30 લાખ રૂપિયાની મદદ માગવામાં આવી હતી. હૈદરાબાદના એક યુઝરે આ કેમ્પેઇનના ઓર્ગેનાઇઝર્સનો સંપર્ક કર્યો તો તેને બ્લોક કરી દેવાયો. બીજા યુઝર્સે પણ એવો જ અનુભવ જણાવ્યો. એ પણ જોવામાં આવ્યું કે, શરૂઆતમાં ફંડ માટે ટાર્ગેટ 10 લાખ રૂપિયા હતો, પરંતુ બાદમાં રિસ્પોન્સ સારો આવતાં ટાર્ગેટ વધારી દેવામાં આવ્યો. કેટલાક જાગૃત લોકોને શંકા થઈ તો તેમણે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મને એની જાણ કરી. આ પ્લેટફોર્મે તપાસ કરી તો જાણ થઈ કે, કેટલાક ઠગબાજોએ એ અભિયાન ચલાવ્યું હતું. એ અભિયાનને અટકાવી દેવામાં આવ્યું. જોકે, એના પહેલાં ઠગબાજોને 27.74 લાખ રૂપિયા પહોંચી ગયા હતાં, જોકે, અમારો ઇરાદો એ કહેવાનો નથી કે, દરેક ક્રાઉડફન્ડિંગ ફ્રોડ છે. અનેક ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. જેમ કે, મિલાપ દર મહિને 20 હજાર ક્રાઉડફંડિંગ કેમ્પેઇન્સને હોસ્ટ કરે છે. મિલાપે 4.7 લાખ લોકોની મદદ કરવા માટે 1400 કરોડ રૂપિયા એકત્ર કર્યા. જેના માટે એ કોઈ ફી લેતું નથી.

કીટો દર મહિને પાંચ હજાર કેમ્પેઇન્સ હોસ્ટ કરે છે. આ પ્લેટફોર્મ્સ જરૂરિયાતમંદ લોકોને મદદ માટે લખાણ, તસવીરો, વીડિયો તૈયાર કરવામાં મદદ કરે છે. એ મદદ માટેની જાહેરાત તૈયાર કરવામાં પણ સપોર્ટ આપે છે.

હવે, કયું પ્લેટફોર્મ ફ્રોડ છે અને કયું સાચું એની ઓળખ કેવી રીતે કરી શકાય? સાચા લોકો હંમેશા યોગ્ય અને પૂરતી માહિતી તમને આપે. માની લો કે, તમે દાનવીર છો તો મેડિકલ ડોક્યુમેન્ટ્સ, બિલ્સ અને કેટલા રૂપિયા જરૂરિયાતમંદ સુધી પહોંચી ગયા એની માહિતી આપે. કેટલાક પ્લેટફોર્મ્સ તો દાનવીરોની પણ ચકાસણી કરે છે. જેમાં બેંકની જેમ જ KYC કરવામાં આવે છે.

સાચા ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સના સ્ટાફ મેમ્બર્સ સીધા હૉસ્પિટલમાં જઈને પણ ચકાસણી કરે છે. જેનાથી દર્દી ખરેખર હોસ્પિટલમાં એડમિટ છે કે નહીં તેમજ તેને કેટલી જરૂર છે એનો ખ્યાલ આવે છે. દાનવીરોને પણ આવી માહિતી આપવામાં આવે છે. એટલે તેઓ પણ જાતે જઈને ચેક કરી શકે છે.

ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ પર પૂરતી તકેદારી રાખીને તમે દાન આપી શકો છો. હવે, અમે તમને જણાવીશું કે, ખરેખર શા માટે ક્રાઉડફંડિંગ ખૂબ જ જરૂરી છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ 2018માં એક સ્ટડી કર્યો હતો. એ મુજબ એ એક જ વર્ષમાં ગંભીર બીમારીના કારણે સારવારનો ખૂબ જ ખર્ચ થઈ જવાના કારણે સાડાપાંચ કરોડ લોકો ગરીબીમાં સરી પડ્યા હતા.

કેન્દ્ર સરકારની થિંક ટેંક નીતિ આયોગે 2021ના એના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દેશના 30 ટકા લોકોની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ નથી. આવા પરિવારોમાં કોઈ ગંભીર બીમારીના કારણે મોટો ખર્ચ આવી જાય તો તેઓ ગરીબીમાં સરી પડે એવી શક્યતા છે. મિડલ ક્લાસ આયુષ્માન ભારત જેવી યોજનાનો લાભ લેવાને પાત્ર નથી. બીજી તરફ તેમને પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ પણ પરવડતો નથી. આવી સ્થિતિમાં મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં ક્રાઉડફંડિંગથી મદદ મળી શકે છે.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દેશ-વિદેશથી કરોડો રામભક્તોએ દાન આપ્યું છે. આ મંદિર માટે પાયો નાંખવામાં આવ્યો હતો ત્યારે કોઈને વિશ્વાસ નહોતો કે, રામભક્તો એટલા મોટા પ્રમાણમાં દાન આપશે કે એના વ્યાજના રૂપિયામાંથી જ મંદિરનો પહેલો ફ્લોર તૈયાર થઈ જશે. રામમંદિર માટે અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડથી વધુ રૂપિયાનું દાન મળ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, રામ મંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકોની પાસેથી 900 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ટાર્ગેટને થોડા જ સમયમાં પાર પાડવામાં આવ્યો હતો. રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં લગભગ 18 કરોડથી વધુ રામભક્તોએ પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3200 કરોડ રૂપિયા જમા કર્યા છે. ટ્રસ્ટે આ બેંક ખાતામાં આવેલા દાનના રૂપિયાની FIXED DEPOSIT કરાવી હતી. જેનાથી મળનારા વ્યાજમાંથી મંદિરનું નિર્માણ કરાયું.

રામમંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક મોરારી બાપુએ આપ્યું છે. તેમણે રામમંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એ ઉપરાંત અમેરિકા, કેનેડા અને UKમાં તેમના અનુયાયીઓએ પણ મળીને અલગથી આઠ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

રામમંદિર માટે આપણા ગુજરાતમાંથી પણ લોકોએ ભરપૂર દાન આપ્યું છે. સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ સિવાય સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ 5 કરોડ અને લવજી બાદશાહએ 1 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. આ ઉપરાંત પણ અનેક વેપારીઓએ 5 લાખથી 21 લાખ સુધીનું દાન આપ્યું હતું.

22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ એના પછી મહિનામાં જ રામ મંદિરને 25 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આટલા બધા રૂપિયાના મેનેજમેન્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મંદિરમાં ચાર ઓટોમેટિક હાઈ-ટેક કાઉન્ટિંગ મશીન્સ ઇન્સ્ટોલ કર્યાં છે.

ભારતીયોએ રામમંદિર માટે જ નહીં પરંતુ યુદ્ધની સ્થિતિમાં પણ સેનાને સાથ આપ્યો છે. આઠમી સપ્ટેમ્બર, 1962ના દિવસે ચીનના સૈનિકોએ ભારતની સીમામાં ઘૂસવાનું દુસાહસ કર્યું હતું. ભારતીય સૈનિકોએ એનો જવાબ આપ્યો હતો. એના બે મહિના બાદ ચીનની સેના પૂરી તાકાતથી ભારત પર તૂટી પડી હતી. યુદ્ધ શરૂ થયું. એ સમયના PM જવાહરલાલ નહેરુએ લોકો પાસેથી મદદ માગી. તેમણે સેના માટે ભંડોળ એકત્ર કરી શકાય એ માટે મહિલાઓ પાસેથી તેમના ઘરેણાં માગ્યાં. ભારતીયોએ ઉદાર દિલે દાન આપ્યું. આ દાનના મેનેજમેન્ટ માટે નેશનલ ડિફેન્સ ફંડ રચવામાં આવ્યું. લોકોએ કુલ 22 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.

અમે ક્રાઉડફંડિંગની જરૂરિયાતનું મંથન કરી રહ્યા છીએ. હવે, અમે મંથન ફિલ્મની વાત કરીશું. તમને ખ્યાલ જ હશે કે, કોઈ પણ ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલાં ફિલ્મનું બજેટ નક્કી કરવામાં આવે છે. આ બજેટ પ્રોડ્યૂસરને જણાવવામાં આવે. એને મંજૂરી આપવામાં આવે એ પછી ફિલ્મ બને. જોકે, 1976માં દેશમાં ઇમર્જન્સી દરમ્યાન રિલીઝ થનારી ફિલ્મ મંથન માટે કોઈ પ્રોડ્યૂસરની જરૂર નહોતી પડી. લોકોએ બબ્બે રૂપિયા દાનમાં આપીને આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ શ્વેત ક્રાંતિ પર બની હતી. જેમાં ખેડૂતો અને પશુપાલકોના સંઘર્ષને મોટા પડદા પર રજૂ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર શ્યામ બેનેગલે કહ્યું હતું કે, આ ફિલ્મ બનાવવા માટે કોઈ રૂપિયા આપવા માટે તૈયાર નહોતું.

શ્યામ બેનેગલે આ મુશ્કેલી વર્ગીસ કુરિયનને જણાવી હતી. જેના પછી વર્ગીસે અમુલ સોસાયટીની સાથે જોડાયેલા પશુપાલકોની મદદ લેવાની સલાહ આપી. કુરિયન એ સમયે અમુલ કોઓપરેટિવની કામગીરી સંભાળતા હતા. એ પછી કુરિયન અને બેનેગલ ખેડૂતો અને પશુપાલકોની પાસે પહોંચ્યા. તેમણે માત્ર બે રૂપિયા આપવા કહ્યું. ખેડૂતો અને પશુપાલકોએ આ વાત માની લીધી. આ રીતે મંથન ફિલ્મ બની. મંથન ભારતીય ઇતિહાસની પહેલી એવી ફિલ્મ બની કે જેના પ્રોડ્યૂસર્સ પાંચ લાખ ખેડૂતો-પશુપાલકો હતા.

દેશમાં ક્રાઉડફંડિંગના અનેક અભિયાન ખૂબ જ સફળ રહ્યા છે. જેનાથી જ પ્રેરણા મેળવીને કોંગ્રેસે પણ ભંડોળ એકઠું કરવા માટે ક્રાઉડફંડિંગનો રસ્તો અપનાવ્યો હતો. લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસે ક્રાઉડફંડિંગ શરૂ કર્યું હતું. આ અભિયાનની શરૂઆતના 48 કલાકમાં જ પાર્ટીને 1.13 લાખ લોકોએ દાન આપ્યું હતું. પાર્ટીને સૌથી વધુ ડોનેશન મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યું છે.

ચોક્કસ જ ક્રાઉડફંડિંગથી જરૂરિયાતમંદોને મુશ્કેલીમાંથી બહાર લાવી શકાય છે. મંથન ફિલ્મ અને રામમંદિરનું નિર્માણ એ ક્રાઉડફંડિંગના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આવી સફળ ગાથાઓ વચ્ચે આપણી સમક્ષ ઠગબાજો દ્વારા ક્રાઉડફંડિંગના દુરુપયોગના પણ ઉદાહરણો છે. ક્રાઉડફંડિંગ દાન માટેનો ખૂબ જ સારો ઉપાય છે. અલબત્ત ઠગબાજોથી બચવા માટે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.