November 22, 2024

સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કનો ‘દેવરાજ’ સિંહ સેલિબ્રિટીથી ઓછો નથી

સાગર ઠાકર, જુનાગઢ: સામાન્ય રીતે કોઈ ફિલ્મ કલાકાર, કોઈ રમતવિર કે કોઈ પ્રસિધ્ધ વ્યક્તિ સેલિબ્રિટી હોય છે પરંતુ કોઈ પ્રાણી ક્યારેય સેલિબ્રિટી હોય તેવું તમે જોયું છે… જી હાં… સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કનો દેવરાજ નામનો સિંહ એક સેલિબ્રિટી સિંહ છે. ગીરનું જંગલ એશિયાટીક સિંહો માટે જગવિખ્યાત છે અને સિંહો જ અહીંની ઓળખ છે, જેમાં ખાસ દેવળીયા સફારી પાર્કમાં દેવરાજ નામનો સિંહ આકર્ષણનું કેન્દ્ર છે, આફ્રીકન સિંહ જેવી કેશવાળી ધરાવતો દેવરાજ નામનો સિંહ અનાથ હતો અને વનવિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા તેને દેવળીયા સફારી પાર્ક લવાયો હતો અને હાલ દેવરાજ સૌથી સુંદર સિંહ તરીકે પ્રખ્યાત થયો છે.

પ્રકૃતિમાં પણ એવું બને છે કે પ્રાણી પોતાના બચ્ચાંને ત્યજી દે છે, દેવરાજ સાથે પણ આવું જ બન્યું હતું. જંગલમાં દેવરાજને કોઈ કારણોસર તેની માતાએ ત્યજી દીધો હતો તે સમયે દેવરાજ એક નાનો સિંહ બાળ હતો, વન વિભાગની રેસ્ક્યુ ટીમ સતત જંગલોમાં સિંહોની દેખરેખ કરતી હોય છે અને તે દરમિયાન ત્યજી દેવાયેલું સિંહ બાળ તેમની નજરે પડ્યું, સિંહણ પોતાના બચ્ચાંને ત્યજી દે ત્યારબાદ જો તેના બચ્ચાંની સંભાળ લેવામાં ન આવે તો તેનું મૃત્યું પણ થઈ શકે છે.

વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા આ સિંહ બાળને દેવળીયા સફારી પાર્ક કે જે ગીર ઈન્ટરપ્રિટેશન ઝોન છે તેમાં લાવવામાં આવ્યું અને ત્યાં તેનો ઉછેર કરવામાં આવ્યો, અને તેને દેવરાજ નામ આપવામાં આવ્યું, રાજ્ય અને કેન્દ્ર સરકારના સિંહ સંરક્ષણ અંતર્ગત સિંહોનું સંરક્ષણ સાથે સંવર્ધન કરવામાં આવે છે, તે જ રીતે ત્યજી દેવાયેલો દેવરાજ પણ વન વિભાગની દેખરેખ હેઠળ મોટો થયો અને આજે તે અંદાજે 10 થી 11 વર્ષનો થઈ ગયો છે.

દેવરાજની ખાસિયત એ છે કે તેની કેશવાળી આફ્રીકન સિંહ જેવી દેખાવડી છે, વળી સતત દેખરેખ હેઠળ સુરક્ષિત ઝોનમાં હોવાથી અન્ય કોઈ સિંહ સાથે તેની ઈનફાઈટ થતી નથી તેથી તેના શરીર પર કોઈ ઘા ના નિશાન પણ નથી, આમ કેશવાળી સાથે શરીરથી પણ હુષ્ટપુષ્ટ એવો દેવરાજ સિંહ દેખાવમાં પણ ખુબ સુંદર છે અને એક સિંહના વર્ણન મુજબ પુખ્ત અને સુંદરતાભર્યો છે અને તેથી જ તે હવે એક સેલિબ્રિટી સિંહ તરીકે પ્રખ્યાત થઈ ગયો છે જે વન વિભાગ અને તેમની ટીમની મહેનતની ઉપલબ્ધી છે, વન વિભાગની ટીમને પણ દેવરાજ સાથે એક અનોખો લગાવ છે, કારણ કે દેવરાજ જંગલમાંથી અનાથ મળી આવ્યો હતો અને વનવિભાગે તેનો ઉછેર કર્યો છે તેથી મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો એક પ્રેમાળ સંબંધ પણ પ્રસ્થાપિત થયો છે અને તેથી જ વન વિભાગ પણ પ્રવાસીઓને એક વખત દેવરાજ સિંહ જોવાની અપીલ પણ કરે છે.