December 27, 2024

દીકરાની ભૂલને કારણે પિતાનું ઘર તોડી પાડવું અયોગ્ય: બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ

Supreme Court on Bulldozer Action: દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર એક્શનનો મામલો સોમવારે 2 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ઉદયપુરમાં ચાકૂબાજીના આરોપી બાળકના પિતાના ઘર પર બુલડોઝર ફેરવી દેવાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે નગરપાલિકાના નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. કોઈના પર કોઈ ગુનાનો આરોપ હોવાના આધારે નહિ. જેના પર કોર્ટે કહ્યું કે આ સંબંધમાં કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર છે, જેનું તમામ રાજ્યોએ પાલન કરવું જોઈએ.

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ કહ્યું કે મોટાભાગના કેસોમાં ગેરકાયદે બાંધકામો સામે નોટિસ આપવામાં આવી છે. તેના પર કોર્ટે કહ્યું કે અમે પણ ગેરકાયદે બાંધકામને બચાવવાના પક્ષમાં નથી, પરંતુ કોઈ દીકરાની ભૂલને કારણે તેના પિતાનું ઘર તોડી પાડવું યોગ્ય ન હોઈ શકે. ત્યારબાદ, તુષાર મહેતાએ કહ્યું કે અમે તમામ પક્ષો સાથે વાત કરીને ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરીશું.

17 સપ્ટેમ્બરે થશે આ કેસની આગામી સુનાવણી
તુષાર મહેતાની વાત સાંભળ્યા બાદ જજે તમામ પક્ષકારોને કહ્યું કે તેઓ વરિષ્ઠ વકીલ નચિકેતા જોશીને પોતાના સૂચનો આપે. સૂચનો જોયા બાદ સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા બનાવવામાં આવશે. હવે આ કેસમાં આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

ઉદયપુર કેસની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું
જણાવી દઈએ કે, ઉદયપુરમાં ચાકુબાજીના આરોપી બાળકના પિતાના ઘર પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે પિતાનો પુત્ર જિદ્દી હોઈ શકે છે, પરંતુ જો તેના માટે તેનું ઘર તોડી પાડવામાં આવે તો… આમ કરવું કદાપિ યોગ્ય નથી.