September 20, 2024

ગેરકાયદેસર પ્રીએક્ટિવ સીમકાર્ડ વેચવા મામલે દોઢ મહિના પછી 4 આરોપીઓની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: પ્રીએક્ટિવ સીમકાર્ડ ગેરકાયદેસર વેચવાના રેકેટમાં 4 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો ના ધ્યાન બહાર બે વખત બાયોમેટ્રિક પુરાવા મેળવી તેમના નામે બે સીમકાર્ડ ચાલુ કરાવી એક સીમકાર્ડ બ્લેકમાં વેચતા હોવાના કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં 49 પ્રિએક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. જે મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી.

પ્રિએક્ટિવ સીમકાર્ડ અમદાવાદ શહેરમાં વેચાતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દોઢ મહિનાની તપાસ બાદ 4 આરોપીઓની ધરપકડ કરી 49 પ્રિએક્ટિવ સિમકાર્ડ કબજે કર્યા છે. જેમાં ઝડપાયેલા ચાર આરોપી મોહમ્મદ તલ્હા ઉર્ફે કબીર શેખ, કયુમ ઉર્ફે ભૂરા રાઠોડ, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય કોરી ની ધરપકડ કરવામા આવી છે. ઝડપાયેલા આરોપીઓની મોડ્સ ઓપરેડીં પર નજર કરીએ તો આરોપીઓ સીમકાર્ડ ખરીદવા આવતા વ્યક્તિના જાણ બહાર તેના નામે અન્ય એક સીમકાર્ડ બીજી કોઈપણ કંપનીનું શરૂ કરી દેતા હતા. અને તેના માટે ગ્રાહકના બે વખત બાયોમેટ્રિક પુરાવા પણ લઈ લેતા હતા. જેમાથી એક સિમકાર્ડ ગ્રાહક ને આપતા અને બીજુ સિમકાર્ડ બ્લેક મા વેચાણ કરતા હતા. જે ગ્રાહક પ્રમાણે સીમ કાર્ડ નાં પૈસા વસૂલ કરતા હતા.

સીમ કાર્ડ રેકેટ માં ચારે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા 49 સીમકાર્ડ મળી આવ્યા છે જે ગ્રાહકોની જાણ બહાર સીમ કાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપી શાહપુર અને વસ્ત્રાલ વિસ્તારમાં સીમકાર્ડની એક્ટિવિટી ના બહાને બેસતા હતા અને ગ્રાહકોના નામે સિમકાર્ડ મેળવી લેતા હતા. જે સીમકાર્ડ તલ્હા નામનો મુખ્ય આરોપી અન્ય આરોપી પાસેથી ચાલુ સિમકાર્ડ 300 રુપિયા મા મેળવી 800 રુપિયા મા વેચતા હતા. પોલીસ ની તપાસમા સામે આવ્યુ કે પ્રિ એક્ટિવ સિમકાર્ડ સટ્ટા બેટીંગ અને ગેરકાયદે પ્રવૃત્તિ મા વપરાય છે. સાથે જ તલ્હા છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામમા એક ગ્રુપ બનાવી તેનુ વેચાણ કરતો હતો. અને એક સિમકાર્ડ 2200 રુપિયા સુધી વેચાણ કર્યા હોવાનુ સામે આવ્યુ છે.

મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમા 2000 થઈ વધુ સિમકાર્ડ આરોપી એ વેચ્યા હોવાનુ પોલીસ માની રહી છે. સાથે જ ક્રાઈમ બ્રાંચે આવા સિમકાર્ડ ખરીદનાર અને તેનો ઉપયોગ કરનાર આરોપી ની શોધખોળ શરૂ કરી તેમની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ ની તપાસમા શું સામે આવે છે. તે જોવુ મહત્વનું છે.