December 9, 2024

ગીર-સોમનાથમાં યુરિયા ખાતરની અછત, ખેડૂતોમાં રોષ

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ જિલ્લામાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માગણી કરી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે. ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે. કારણ કે, ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોના ગ્રોથ માટે ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે કોડીનાર તાલુકાના ખેડૂતો છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માગણી કરી છે અને ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડશે.

યુરિયા ખાતર બાબતે કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારીનું કહેવું છે કે, મોટી સંખ્યામાં ખેડૂતો યુરિયા લેવા આવે છે. છેલ્લા 1 માસમાં 200 ટન યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત વર્તાઈ રહી છે. બે દિવસમાં હજુ બે ટ્રક માલ આવવાનો છે, જેથી અમે એ આવે એટલે તાત્કાલિક વિતરણ કરી આપીશું. વર્તમાન સમયમાં યુરિયા ખાતરની અવેજીમાં નેનો યુરીયા બોટલમાં પૂરતા પ્રમાણમાં હાજર છે પણ અહીંના ખેડૂતો નેનો યુરિયા ખરીદતા નથી. દાણા યુરિયા(બેગ)નો જ આગ્રહ રાખે છે. અહીંના ખેડૂતોનું માનવું છે કે, નેનો યુરિયાનો છંટકાવ કરવો ખર્ચાળ છે અને એનાથી ખેતી પાકમાં પણ નુકસાન થતું હોવાથી નેનો યુરિયા ખરીદતા નથી અને અહીં યુરિયાની બેગ માટે જ આગ્રહ કરે છે.