July 6, 2024

કોરોનાનો ફરીથી પગપેસારો…બે અઠવાડિયામાં 16ના મોત, મનસુખ માંડવિયાએ યોજી બેઠક

કોરોના એ ફરી એકવાર વિશ્વભરમાં પગપેસારો કરી દીધો છે. કોરોના JN.1 ના નવા વેરિયન્ટે લોકોમાં ગભરાટ પેદા કર્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાની સાથે નીતિ આયોગના સભ્યો અને આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, આરોગ્ય સુવિધાઓ અને સજ્જતા સાથે, ચેપ અટકાવવાનાં પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારે ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે દરેક સરકારે અભિગમ સાથે એકબીજા સાથે મળીને કામ કરવાનો સમય આવી ગયો છે.

હોસ્પિટલોમાં મોકડ્રીલ થવી જોઈએ

હોસ્પિટલની તૈયારીઓની મોક ડ્રીલ પર ભાર મૂકતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે તમામ હોસ્પિટલોમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ હાથ ધરવી જોઈએ. દેરક બાબતો પર નજર રાખવી જોઈએ. વધુમાં તેમણે રાજ્યોને ખાતરી આપી કે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવશે. મંત્રીએ રાજ્યોને ઠંડા હવામાન અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વધુ સારા પગલાં લેવા પણ કહ્યું.

કેરળના લોકોને માસ્ક પહેરવાની અપીલ

આ સિવાય બેઠકમાં કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કોરોના કેસ પર નજર રાખવામાં આવી રહી છે. જે પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તે WGS માટે જઈ રહ્યા છે. મંત્રીએ કહ્યું કે હોસ્પિટલની તૈયારીઓ, સાધનો અને PPE કીટની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં દરેકને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, જાણો શું છે તેના લક્ષણો અને ઉપચાર

દેશમાં કોરોનાના 2311 પોઝિટીવ કેસ

તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં કોરોનાના 2311 પોઝિટીવ કેસ છે, કેરળમાં 292, તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પુડુચેરીમાં 4, દિલ્હી અને ગુજરાતમાં 3, તેમજ પંજાબ અને ગોવામાં એક-એક કેસ મળી આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 341 કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં 3 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, છેલ્લા બે અઠવાડિયામાં 16 લોકોના મોત થયા છે.