November 22, 2024

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો ખુલાસો, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

ગુજરાતમાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ફરી ચર્ચામાં છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતા ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલુ થઇ છે. થોડા સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કેટલાંક નેતાઓ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. બીજી બાજુ આજે કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાશે તેવા અહેવાલ સામે આવ્યા હતા જોકે અર્જૂન મોઢવાડિયા પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હોવાના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યાં છે.

નોંધનીય છે કે પોરબંદર મતવિસ્તારના વતની મોઢવાડિયા 1997માં કોંગ્રેસમાં જોડાયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તેમણે 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યાં છે. 2007માં તેઓ ફરીથી ચૂંટાયા અને 2008 થી 2009 સુધી મીડિયા સમિતિના અધ્યક્ષ અને GPCCના મુખ્ય પ્રવક્તા તરીકેની ભૂમિકાઓ સંભાળી હતી અને ત્યારબાદ માર્ચ 2011માં મોઢવાડિયા GPCCના 27મા પ્રમુખ બન્યા હતા. જો કે, તેમણે હારનો સામનો કર્યા બાદ 20 ડિસેમ્બર 2012ના રોજ જીપીસીસીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે 2017માં વિધાનસભા ચૂંટણી હારી ગયા હોવા છતાં તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સફળ પુનરાગમન કર્યું છે. થોડા દિવસ પહેલાં જ વિજાપુર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે તેઓ ભાજપમાં જોડાશે. ચાવડાના રાજીનામાથી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે. ડિસેમ્બર 2023માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2024 પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું

ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ નહીં પણ આમ આદમી પાર્ટી (AAP)એ પણ તેના અગ્રણી નેતાઓને સત્તાધારી પાર્ટી ભાજપમાં જતા જોયા છે. બીજી બાજુ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે વિધાનસભામાં માત્ર ચાર ધારાસભ્યો બચ્યા જ છે. ભૂપત ભાયાણી હવે આમ આદમી પાર્ટીને બદલે ભાજપમાં જોડાઇ કેસરીયા કરશે. માહિતી અનુસાર આગામી ૩ ફેબ્રુઆરીના રોજ ભૂપત ભાયાણી સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ભૂપત ભાયાણી ભાજપમાં આવકારવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભાયાણી સિવાય અન્ય AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ કેટલીક શરતો સાથે ભાજપમાં જોડાવા માટે રસ દાખવ્યો છે.