November 22, 2024

પાકિસ્તાની સેના પર ભરોસો નથી, તમારી સુરક્ષા તમે જ કરો: ચીન

China Pakistan: ચીને પાકિસ્તાનમાં કામ કરતા તેના હજારો નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર અનેક જીવલેણ હુમલાઓ થયા છે. ઓક્ટોબરમાં કરાચી એરપોર્ટની બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ઘટના માટે વધુ જવાબદાર માનવામાં આવે છે. આ વિસ્ફોટમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ કામ કરી રહેલા ચીની રોકાણકારો અને એન્જિનિયરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં બે ચીની નાગરિકોના મોત થયા હતા.

આ હુમલાને લઈને ચીનમાં ગુસ્સો છે અને તેને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે. ચીન માને છે કે પાકિસ્તાનની સેના નિષ્ફળ રહી છે. જેને લઇને, બેઇજિંગે ભવિષ્યમાં સંયુક્ત સુરક્ષા વ્યવસ્થાપન સિસ્ટમની માંગ કરી છે, જે તેને તેના નાગરિકોની સુરક્ષા માટે તેના કર્મચારીઓને તૈનાત કરવાની મંજૂરી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના વડાપ્રધાન લી ચિયાંગની ગયા મહિને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જ્યારે તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે ઈસ્લામાબાદ આવ્યા હતા.