સલમાનના ઘરની બહાર અજાણ્યા બાઇકર્સના CCTV આવ્યા સામે, પોલીસ થઇ દોડતી
મુંબઈ: સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચલાવતા લોકોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં મુંબઈના બાંદ્રામાં બે બાઇક સવારોને જોવામાં આવ્યા છે. આ વીડિયો આજે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચેનું હોવાનું કહેવાય છે. માત્ર થોડીક સેકન્ડના આ વીડિયોમાં બે બાઇક સવારો સ્પીડમાં જતા જોઈ શકાય છે. જો કે હજુ સુધી આ બાઇક સવારોની ઓળખ થઇ શકી નથી. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની તપાસમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
આજે સવારે 5 વાગ્યાની આસપાસ સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચલાવવામાં આવી હોવાના સમાચારથી ફેન્સ અને પરિવારજનો ચિંતામાં છે.. પોલીસના જણાવ્યા અનુસાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગના નિશાન બિલ્ડિંગ પર જોઈ શકાય છે. જે સમયે આ ફાયરિંગ થયું તે સમયે સલમાન ખાન તેના પરિવાર સાથે તેના ઘરે હાજર હતો. પોલીસ તપાસમાં આ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. જે બાદ તપાસ તેજ કરવામાં આવી છે. તેમજ મામલાની ગંભીરતાને જોતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ આ કેસમાં જોડાયા છે.
View this post on Instagram
સલમાન ખાનની સુરક્ષા વધારી દેવાઇ
સલમાન ખાનને ભૂતકાળમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત અજાણ્યા લોકો તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલની હત્યા બાદ અભિનેતાની સુરક્ષાને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. અભિનેતાને પોલીસ દ્વારા કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે. તેમની ફિલ્મોના સેટ પર પણ પોલીસ અને ચુસ્ત સુરક્ષા રાખવામાં આવે છે. આજના ફાયરિંગની જવાબદારી હજુ સુધી કોઈ ગેંગસ્ટરે લીધી નથી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે.