November 2, 2024

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની હાર સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યો મોટો ઝટકો

હાર્દિક આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટના કેસમાં દોષી સાબિત થયો છે.

Hardik Pandya Fined: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની અંતિમ લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા મળેલી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા થઈ રહી છે. હાર્દિક પંડ્યાને ધીમા ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. હાર્દિક આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટના કેસમાં દોષી સાબિત થયો છે. તેથી તેના પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સિઝનમાં તેની ટીમ દ્વારા આઈપીએલના નિયમોનું ત્રીજી વખત ઉલ્લંઘન હોવાથી પંડ્યાને રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ટીમની આગામી મેચમાં રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકીના ખેલાડીઓ અને પ્રભાવિત ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. દરેક ખેલાડીને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લખનૌ સુપરજાયન્ટ્સ સામે 18 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે નિકોલસ પુરનની જોરદાર અડધી સદીની ઇનિંગની મદદથી 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 196 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ વિશ્વની શ્રેષ્ઠ, થોડીવારમાં મેદાન સૂકવી નાખે

આ રીતે IPLની 17મી સિઝનમાં હાર સાથે મુંબઈની ટીમનો પ્રવાસ થંભી ગયો છે. આ સિઝનમાં મુંબઈએ 14માંથી માત્ર 4 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ સિઝનમાં મુંબઈ પહેલી એવી ટીમ બની હતી જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

પાંચ વખતનું ચેમ્પિયન છે મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન રહી છે. જોકે IPL 2024માં બદલાયેલા કેપ્ટનથી ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં મુંબઈની ટીમ આટલી ખરાબ રીતે ક્યારેય રમી ન હતી.