November 11, 2024

ચૂંટણી માટે BJPનો નવો સ્ટંટ, સુરતમાં બેનર લગાવી CR પાટીલ સાથે ચા-નાસ્તાની ઓફર

અમિત રુપાપરા, સુરતઃ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં BJP તરફે મતદાન કરાવવા માટે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની નવી માર્કેટિંગ સ્કીમ સામે આવી છે. શહેરમાં વસતા ઉત્તર પ્રદેશના લોકો ઉત્તર પ્રદેશમાં સગા સંબંધીઓને BJP તરફે મતદાન કરવાની અપીલ કરી છે. જે વ્યક્તિને ફોન કર્યો છે તેના નામ, નંબર અને ગામ સહિતની વિગતો BJPને આપશે અને અને 20 લોકોને BJP તરફે મતદાન કરવાની અપીલ જે-તે વ્યક્તિ કરશે. તેને BJPના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળવાની સાથે તેમની સાથે ફોટો પડાવવાનો અને ચા-નાસ્તો કરવાનો મોકો મળશે. આ પ્રકારના લખાણવાળા બેનરો શહેરમાં અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે સુરતમાં BJPના પ્રયાસો શરૂ થયા છે. સુરતમાં ઉત્તર પ્રદેશના ઘણા લોકો રોજગારી માટે પરિવાર સાથે રહે છે. ત્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થાય તે માટે BJP દ્વારા ચૂંટણી ઓફર બહાર પાડવામાં આવી હોવાના બેનર સુરતમાં અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોને BJP તરફે ઉત્તર પ્રદેશમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. પોતાના સગા સંબંધીઓને BJPને મત આપવાની અપીલ કરશે તે વ્યક્તિને BJPના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સાથે ચા-નાસ્તો કરવાનો મોકો મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન આચાર્ય પર ટોળાનો હુમલો

સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના સહયોગથી ઉત્તર પ્રદેશ જીતાઓ નામથી એક કોલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યા પર જે બેનરો લગાવવામાં આવે છે તેમાં લખવામાં આવ્યું છે કે, ‘ફોન લગાઓ ઉત્તર પ્રદેશ જીતાઓ.’ જેમાં લોકો ઉત્તર પ્રદેશમાં રહેતા પોતાના સગા સંબંધીઓને BJPને મત આપવાની અપીલ કરે એટલા માટે આ બેનરમાં એક જાહેરાત પણ આપવામાં આવી છે કે, જેનાથી લોકો સીધા જ સીઆર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરી શકશે.

આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઉત્તર પ્રદેશના 20 લોકોને ફોન કરીને BJPને જીતાડવાની અપીલ કરી જે વ્યક્તિને ફોન કર્યો છે, તેનું નામ, મોબાઈલ નંબર, ગામ, લોકસભા અને જિલ્લાની ડિટેલ્સ BJPને આપશે, તો ફોન કરનાર વ્યક્તિને 4 જૂન પછી લોકપ્રિય નેતા સીઆર પાટીલની સાથે ચા-નાસ્તાની સાથે ફોટો પડાવી શકશે અને મુલાકાતનો મોકો મળશે.