July 2, 2024

કચ્છ: 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

કચ્છ: કચ્છના અંજાર ખાતે 10 મહિના અગાઉ માનસિક રીતે વિકૃત ઈસમે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે રાજ્ય સરકાર પણ આરોપીને પકડી કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા ત્યારે હવે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં નિર્ણાયક પુરાવાના આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, ‘ન્યાય પ્રણાલી નબળા લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતામાં મક્કમ છે. નોંધનીય પંદર દિવસની અંદર, ગુજરાત પોલીસની ટીમે અંજારમાં સાત વર્ષની બાળકી પરના ભયાનક બળાત્કાર માટે આકર્ષક પુરાવા એકત્ર કર્યા અને ચાર્જશીટ દાખલ કરી. ગાંધીધામ સેશન કોર્ટે માત્ર 10 મહિનામાં જ ઝડપથી કેસ પૂરો કરીને દાખલો બેસાડ્યો છે. નિર્ણાયક પુરાવાના આધારે કોર્ટે માનસિક રીતે વિકૃત આરોપીને 20 વર્ષની સખત કેદની સખત સજા અને રૂ. 20,000નો દંડ ફટકાર્યો છે. પીડિતને ન્યાય અપાવવામાં તેમની સહાનુભૂતિ અને સમર્પણ માટે માનનીય અદાલત અને મહેનતુ કચ્છ પોલીસ ટીમને અમારા હૃદયપૂર્વક અભિનંદન.’

ઉલ્લેખનિય છે કે,  કચ્છના અંજાર ખાતે 10 મહિના અગાઉ માનસિક રીતે વિકૃત ઈસમે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે રાજ્ય સરકારે કચ્છ પોલીસને તાત્કાલિક આરોપીને પકડવા અને કડકમાં કડક સજા અપાવવા માટે સંપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ આપ્યા હતા.