September 2, 2024

Budget 2024: આ નાણામંત્રીના કાર્યકાળમાં બજેટમાં થયા હતા 3 ક્રાંતિકારી ફેરફારો

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી વખત નાણામંત્રી બનેલ નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને જાવક એટલે કે ખર્ચનો હિસાબ એટલે કે બજેટ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે, એક નાણામંત્રી એવા છે જેમણે વર્ષોથી ચાલતી આવતી બજેટ માટે લઈ જવાની બ્રીફકેસની પ્રથા બંધ કરી હતી. તો, આ જ નાણામંત્રીના નામે છે સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ. એટલું જ નહિ આ નાણામંત્રીના કાર્યકાળ દરમિયાન જ રેલવે બજેટ બંધ કરીને સંયુક્ત બજેટની શરૂઆત કરવામાં આવી હતી.

2016માં બંધ કરવામાં આવ્યું હતું રેલવે બજેટ
પહેલા સંસદમાં બે બજેટ રજૂ કરવામાં આવતા હતા. એક સામાન્ય બજેટ અને બીજું રેલવે બજેટ. સામાન્ય બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું અને રેલવે બજેટ રેલવે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું હતું. પરંતુ ભારત સરકારે 21 સપ્ટેમ્બર 2016ના રોજ સામાન્ય બજેટની સાથે રેલવે બજેટના વિલયને મંજૂરી આપી દીધી હતી. 1 ફેબ્રુઆરી 2017ના રોજ દેશનું પહેલું સંયુક્ત બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. રેલવે માટે અલગથી બજેટ રજૂ કરવાની પ્રથા વર્ષ 1924થી શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય એકવર્થ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મોદી સરકારમાં બજેટની પરંપરા બદલાઈ, ચામડાના બ્રીફકેસની જગ્યાએ લાલ કપડા આવ્યા

આ નાણામંત્રીએ બંધ કર્યું બ્રીફકેસનું ચલણ, શરૂ કર્યું પેપરલેસ બજેટ
કોરોના સંકટને કારણે વર્ષ 2021ના બજેટમાં એક ખૂબ જ મહત્વનું પરિવર્તન કર્યું. આ બજેટ દેશનું પહેલું પેપરલેસ બજેટ હતું. આ બજેટની તમામ નકલો ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરવામાં આવી હતી. ત્યારબાદ, વર્ષ 2022નું બજેટ પણ પેપર લેસ બજેટ રહ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં વધુ એક પરિવર્તન કર્યો હતો. તેમણે બજેટને લગતા દસ્તાવેજ લઈ જવા માટે બ્રીફકેસનો ઉપયોગ બંધ કર્યો હતો. હવે તેઓ વહી-ખાતા રાખવા માટે ઉપયોગમાં લેવાતી લાલ કાપડ વાળી બેગમાં બજેટને લગતા દસ્તાવેજો લઈ જતાં જોવા મળે છે.

સૌથી લાંબુ બજેટ ભાષણ સીતારમણના નામે
નાણામંત્રી નિર્મલા સીતારમણનું કેન્દ્રીય બજેટ 2021નું ભાષણ ભારતના ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે. તેમનું આ ભાષણ 2 કલાક 40 મિનિટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય બજેટ 2020 રજૂ કરવાનો 2 કલાક 17 મિનિટનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો. તેમના પહેલા સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ સ્વર્ગસ્થ અરુણ જેટલીના નામે હતો. તેમનું 2014નું બજેટ ભાષણ 2 કલાક 10 મિનિટનું હતું.