March 22, 2025

‘આ તુષ્ટિકરણની પરાકાષ્ઠા છે’, કર્ણાટકમાં મુસ્લિમ અનામતના મુદ્દા પર ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

BJP: ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્ણાટકમાં કોંગ્રેસ સરકારને ઘેરી અને તેના પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4 ટકા અનામત આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટના ચાર ટકા મુસ્લિમોને આપવામાં આવશે. કર્ણાટક સરકારે રાહુલ ગાંધીના કહેવા પર મુસ્લિમોને આ અનામત આપી છે, જે અન્ય પછાત વર્ગો માટેના અનામતમાં ઘટાડો કરે છે.

‘રાહુલ ગાંધી રાજકીય રીતે અયોગ્ય છે’
સંબિત પાત્રાએ કહ્યું કે, ઓબીસી, એસસી અને એસટી વર્ગના લોકોએ કર્ણાટક સરકારના નિર્ણય સામે એકતા દાખવવી જોઈએ. આ ગેરબંધારણીય છે. આ નિર્ણય તુષ્ટિકરણની પરાકાષ્ઠા છે. રાહુલ ગાંધી રાજકીય રીતે અયોગ્ય છે અને તેથી જ તેઓ તુષ્ટિકરણ દ્વારા પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

‘આ કોન્ટ્રાક્ટ જેહાદ છે’
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુની દેશના વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષાને કારણે આ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. હવે એ જ રસ્તે ચાલીને રાહુલ ગાંધીએ આ 4 ટકા અનામત આપી છે અને ભવિષ્યમાં તે 100 ટકા બની શકે છે એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય. આ જેહાદનું રાજકારણ છે. પહેલા વક્ફ બોર્ડને જમીન આપીને આખા ગામડાઓ હડપ કરી લેવામાં આવ્યા. તેવી જ રીતે વક્ફ બોર્ડના વિકાસ માટે એક વિશાળ પેકેજ આપવામાં આવ્યું ત્યારે આર્થિક જેહાદ થયો. હવે કોન્ટ્રાક્ટ જેહાદ થઈ રહ્યું છે, જેમાં ચાર ટકા કોન્ટ્રાક્ટ મુસ્લિમોને આપવામાં આવશે.

‘કર્ણાટકનું બજેટ મુસ્લિમ બજેટ છે’
સંબિત પાત્રાએ કહ્યું કે ‘કર્ણાટક સરકારનું આ બજેટ મુસ્લિમ બજેટ છે. જેમાં ઇમામોને છ હજારનું ભથ્થું, મુસ્લિમોને 50 હજાર રૂપિયાની સહાય, વકફ મિલકતો અને કબ્રસ્તાનોના વિકાસ માટે 150 કરોડ રૂપિયા, ઉર્દૂ શાળાઓ માટે 100 કરોડ રૂપિયા, મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ITI કોલેજો માટે નાણાં, બેંગ્લોરમાં હજ ભવનના વિસ્તરણ, મુસ્લિમ વસાહતોના વિકાસ માટે હજાર કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે. ભાજપના સાંસદે રાહુલ ગાંધી પર આલમગીર રાહુલજેબ કહીને કટાક્ષ કર્યો અને રાહુલ ગાંધી પર ધર્મના રાજકારણ દ્વારા દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો.